- રૂપિયા લીધા બાદ દિગેશ રાઠોડે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ઠગાઈના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક પછી એક ઠગાઈની ફરિયાદો સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને મકાન અને દુકાનો ખરીદનાર બિલ્ડર, એજન્ટો દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે. સાથે વિદેશ જવાના નામે ઠગાઈ થઈ રહી છે. તો બીજી તરફ સાયબર માફિયાઓ આજની લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી લાલચ આપી લોકો સાથે કરોડોની ઠગાઈ આચારી રહ્યા છે. ત્યારે શહેરના અટલાદરા વુડાના મકાનમાં રહેતી મહિલા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાની લાલચે એક ઇસમે મહિલા સાથે 80 હજારની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.
શહેરના અટલાદરા માધવનગર વુડાના મકાનમાં રહેતા ઉષાબેન યોગેશ વણકરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મારા પતિ યોગેશ ભાપલી ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ઓગસ્ટ 2023માં મારા પતિના નોકરીના સ્થળે દિગેશ સુરેશ રાઠોડ (રહે. હરી સ્મૃતિ બંગ્લોઝ, કરમસદ, આણંદ, હાલ રહે. તુલજા સોસાયટી, તાલુકો, પાદરા) વારંવાર બેસવા માટે આવતો હતો. તેથી તેની સાથે ઓળખાણ થઈ હતી. દિગેશ એ મારા પતિને જણાવ્યું હતું કે, મારે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનની વહેંચણી કરતા અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે. તમારે કોઈને મકાન જોઈતું હોય તો મને કહેજો સસ્તામાં અપાવીશ તેવી લાલચ આપી હતી.
આ બાબતને ધ્યાને લઈ મકાન મળવાની લાલચમાં પતિએ આ માટે તૈયારી બતાવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુપન મળશે તેવો વિશ્વાસ આપતા તેઓએ અમારી પાસે મકાનના એડવાન્સ પેટે 5000 રૂપિયા લીધા હતા. ત્યાર બાદ અન્ય નાણાંની રકમ ચેક મારફતે આપી હતી. જેમાં ચેકમાં રૂપિયા 75 હજાર ભરી દિગેશે તેના વ્યક્તિગત એકાઉન્ટમાં જમા કરાવી દીધો હતો. ત્યાર બાદ તેણે મારા પતિના નોકરીના સ્થળે આવવાનું બંધ કરી દીધું હતું. દિગેશે ત્યાર બાદ અમારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
બાદમાં દિગેશ રાઠોડને અવાર નવાર કોલ કરતા હતા. છતાં કોલ ઉપડતો ન હતો અને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા તેના રહેઠાણ સ્થાને તપાસ કરી હતી. છતાં પોતાના ઠેકાણે ન મળી આવતા અમારી સાથે રૂપિયા 80 હજારની છેતરપિંડી કરી હોવાથી માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.