- લોભામણી સ્કીમનો ભોગ બનેલા લોકોએ કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી
વડોદરામાં અટલાદરા બાદ તરસાલી વિસ્તારમાં 2500, 3500 અને 7500 રૂપિયાની કિટ આપીને આખા વર્ષની કિટ આપવાની લાલચ આપીને છેતરપિંડી થતાં લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની અને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.
લોકોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તરસાલી વિસ્તારમાં આવેલી કે.એસ. ડિજિટલ દર્શના એન્ટરપ્રાઇઝમાં ઘણા સમયથી 2500, 3500 અને 7500 લઈને આખા વર્ષની કિટ આપવાની લાલચ આપતા હતા. અમને કિટ પણ મળી નથી અને અમે તેમાં છેતરાય ગયા છીએ. ઘણા સમયથી આ લોકો ગાયબ થઈ ગયા છે. ડાયરેક્ટર કનકસિંહ ગોહિલ અને તેમના સાગરીતોના ફોન બંધ છે. આ લોભામણી સ્કીમાં દિવ્યાંગો અને વિધવાને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અમે લોકોના ઘરે વાસણ અને કપડા ધોઇને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને અમારી સાથે આવી છેતરપિંડી થઈ છે. આ આરોપીઓને વહેલી તકે પકડીને જેલ ભેગા કરી કડકમાં કડક સજા કરવામાં આવે અને અમારા ગરીબોના રૂપિયા પાછા મળે એવી અમારી માગ છે. જો આવું નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
લોભામણી સ્કીમનો ભોગ બનેલી મહિલા અમરબેન ભરવાડે જણાવ્યું હતું કે, મેં 3500 રૂપિયા ભર્યા હતા, અમે ત્રણ દિવસથી ધક્કા ખાઇએ છીએ પણ અમને અનાજની કિટ મળી નથી અને કશું મળ્યું નથી. અમારા પૈસા અમને પાછા મળે તેવી અમારી માગ છે.
લોભામણી સ્કીમનો ભોગ બનેલી મહિલા કાજલબેન રાઠોડિયાએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યે ફોર્મ ભરવા પહોંચ્યા અને 2 વાગ્યા સુધી ભૂખ્યા-તરસ્યા રહીને ફોર્મ ભરીને ગયા હતા અને 2500 રૂપિયા ભર્યા હતા. એક વર્ષ સુધી કિટ આપવાની વાત કરી હતી. જો કે, એક વખત જ કિલો તેલ અને થોડો સામાન આપ્યો હતો. પછી કંઈ જ આપ્યું નથી. ઘઉં પણ આપ્યા નથી. અમે 3 દિવસથી ધક્કા ખાઇએ છીએ. પણ કિટ મળતી નથી અને ઓફિસ બંધ છે.
ઉલ્લેખનીય છે કે, કે.એસ. ડિજિટલ ગ્રુપની ઓફિસ બહાર ખાસ નોંધ લખવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, કે.એસ. ડિજિટલ ગ્રુપ ઉઠ્યું નથી અને બંધ થયું નથી. પબ્લિકના હોબાળાના કારણે બધી બ્રાન્ચના એરિયા નજીકના પોલીસ સ્ટેશન તરફથી 15-20 દિવસ માટે સ્ટોપ કરાવી છે. ઓફિસ ખુલે પછી કિટનું વિતરણ કરવામાં આવશે.