ચાર વર્ષની બાળકી ચોકલેટ સાથે તાર સાથે LED બલ્બ ગળી ગઇ, ઓપરેશન બાદ બહાર નીકળ્યો

ડેસર ગામ પરિવારને પાંચ રૂપિયાની ચોકલેટ રૂપિયા 35 હજારમાં પડી હતી

MailVadodara.com - Four-year-old-girl-swallowed-LED-bulb-with-wire-along-with-chocolate-discharged-after-operation

- ગત રાત્રે બાળકી બજારમાં મળતી લાઇટવાળી ચોકલેટ ખાવા લાવી હતી, બાળકીના રમતની ધૂનમાં તાર સાથેની એલ.ઇ.ડી ખાઇ જતાં ફસાઇ ગળામાં ગઇ હતી

- માતા બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં સોનોગ્રાફી અને એક્સરે કરાવ્યો હતો, જેમાં બાળકીના શરીરમાં તાર સાથેની LED આડી થઇ ગયેલી જણાઇ આવી

વડોદરા જિલ્લાના ડેસર ગામમાં એક ચાર વર્ષની બાળકી રમવાના ઉત્સાહમાં ચોકલેટની સાથે LED બલ્બ ગઈ હતી. પરિવારને જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં એક કલાક ચાલેલી સર્જરી બાદ બાળકીના પેટમાંથી બલ્બ બહાર કાઢી પીડા મુક્ત કરી હતી. પરિવારને પાંચ રૂપિયાની ચોકલેટ રૂપિયા 35 હજારમાં પડી હતી. ઉલ્લેખનીય છે કે, નાના બાળકો આ રીતે રમતા રમતા કોઈપણ વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે. જે ક્યારેક મોટી દુર્ઘટનાનું સ્વરુપ ધારણ કરી લે છે. આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સાબિત થાય છે.

આ બનાવની વિગત એવી છે કે, ડેસર ગામમાં રહેતી ચાર વર્ષની અલીજા જુનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. અલીજા દિવાન રાત્રે 8 વાગ્યાના અરસામાં માર્કેટમાં મળતી લાઇટવાળી ચોકલેટ લાવીને ખાતી હતી. અલીજા રમતની ધૂનમાં ચોકલેટ સાથે એલ.ઇ.ડી. બલ્બ ખાઇ ગઇ હતી અને અન્ય બાળકો સાથે રમવા લાગી ગઇ હતી.


દરમિયાન અલીજાના ગળામાં તાર સાથેની એલ.ઇ.ડી ફસાઇ ગઇ હતી. માતા મુસ્કાન દિવાન દ્વારા હાથની આંગળી ગળામાં નાખી બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ કાઢી શકાઇ ન હતી. માતાની આંગળીમાં તાર ખૂચતા ખબર પડી કે ખરેખર નાનું એલઈડી બાળકીના શરીરમાં જતું રહ્યું છે. માતા તાત્કાલિક દીકરીને ડેસરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી એક્સરે કઢાવવા સલાહ આપી હતી.

દરમિયાન ઘટનાના બીજા દિવસે અલીજાને માતા સાવલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની સોનોગ્રાફી અને એક્સરે કરાવ્યો હતો. જેમાં બાળકીના શરીરમાં તાર સાથેની LED આડી થઇ ગયેલી જણાઇ આવી હતી. સોનોગ્રાફી અને એક્સ-રેમાં ચોક્કસ નિદાન થયા બાદ માતા મુસ્કાન અને પરિવારજનો અલીજાના શરીરમાં ફસાઇ ગયેલો LED બલ્બ બહાર કઢાવવા માટે વડોદરા ખાતેની સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.


દરમિયાન તબીબોની ટીમે એન્ડોસ્કોપી કરીને એક કલાકની ભારે જહેમત બાદ બાળકીના શરીરમાંથી એલઇડી બલ્બ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જ્યારે ઓપરેશન ચાલતું હતું, ત્યારે માતા-પિતા અને પરિવારજનોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. જોકે સફળ ઓપરેશન બાદ અલિજાના શરીરમાંથી LED બલ્બ નિકળી જતા પરિવારજનોએ રાહત અનુભવી હતી અને બાળકી અલીજા પિડામુક્ત થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, બાળકોને આકર્ષવા માટે રમકડાં સાથેની ચોકલેટ કેટલી જોખમકારક હોય છે તે આ બનાવથી સમજી શકાય છે. આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ છે. આ કિસ્સો ડેસર ગામ સહિત પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share :

Leave a Comments