- ઇયર ફોન કાનમાં નાખીને ફોનમાં વ્યસ્ત ડ્રાઇવર સામે કાર્યવાહી કરીને દીકરીને ન્યાય અપાવવાની પિતાએ માંગણી કરી
- ગાડીની બાજુમાં ચાલતી બાળકી અને ભાગતો ડ્રાઇવર CCTVમાં કેદ
- સામાન્ય નાગરિકો પાસેથી સીટ બેલ્ટ-હેલ્મેટના નામે દંડ લેવાય છે, તો ઓવરલોડ કચરો ભરેલી આવી ગાડીઓ સામે કેમ પગલાં લેવાતા નથી?: સામાજિક કાર્યકર કમલેશ પરમાર
વડોદરા શહેરના જલારામનગર-2માં મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીની અડફેટે 4 વર્ષની 3 બાળકીનું મોત થયું હતું. બાળકી કચરાની ગાડીની બાજુમાં રમતી CCTVમાં દેખાય છે અને ત્યારબાદ બાળકની માતા અને આસપાસના રહીશો દોડતા પણ દેખાય છે અને ડોર ટુ ડોર કચરાની ગાડીનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થતો દેખાય છે. આ મામલે બાળકીના પિતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ઇયર ફોન કાનમાં નાખીને ફોનમાં વ્યસ્ત ડ્રાઇવર સામે કાર્યવાહી કરીને દીકરીને ન્યાય અપાવવાની માંગણી કરી હતી.
મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના વીઆઇપી રોડ પર આવેલ જલારામનગર-2માં રહેતા બ્રિજેશકુમાર શ્રીકંચનસીંગ કુશવાહ (ઉ.24)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું શાકભાજીનો ધંધો કરું છું. હું 5 ઓગસ્ટના રોજ સવારે ધંધાર્થે ઘરની બહાર નીકળ્યો હતો. તે વખતે મારી પત્નીનો મારા ઉપર ફોન આવ્યો હતો કે, મારી 4 વર્ષની દીકરી નેન્સી મારા ઘરની બહાર શેરીમાં રમતી હતી, તે સમયે વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે મારી દીકરીને ટક્કર મારી છે અને મારા દીકરીના ડાબા હાથ પરથી કચરાની ગાડીનું ટાયર ફરી વળ્યું છે. જેથી મારી દીકરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને લોહી નિકળવા લાગ્યું છે.
હું તાત્કાલિક મારા ઘરે દોડી ગયો હતો અને મારી દીકરીને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મારી દીકરીનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. હું મારી દીકરીની સારવારમાં વ્યસ્ત હતો એ દરમિયાન કચરાના ટેમ્પોનો ડ્રાઇવર (GJ-06-BT-9776)ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મેં હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાલળીનું પોસ્ટમોર્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
દીકરીના પિતા બ્રિજેશકુમાર કુશવાહે જણાવ્યું હતું કે, મારી નાની દીકરી ઘર પાસે રમતી હતી, તે સમયે કચરાની ગાડીવાળો આવ્યો હતો અને ડ્રાઇવરનો મોબાઈલ ચાલતો હતો અને તેના કાનમાં ઇયર ફોન લગાવેલા હતા. તેને આગળ પાછળ જોયું પણ ન હતું અને મારી છોકરીને અડફેટે લીધી હતી. મારી દીકરીના હાથમાં ટાયર ફરી વળતા તેને બૂમ પડતા ડ્રાઇવર ભાગી ગયો હતો અને બાદમાં હું કામ પરથી આવ્યો અને આસપાસના લોકો એકત્ર થઈ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બાળકીને એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર બાદ દીકરીનું મોત નિપજ્યું હતું. મારી દીકરીને ન્યાય મળવો જોઇએ.
સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના જલારામનગર વિભાગ-2માં બે દિવસ પહેલા ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીએ ટક્કર મારતા 4 વર્ષની બાળકી નેન્સીનું મોત થયું છે. કચરા કલેક્શનની ગાડીઓના ડ્રાઇવરો બેફામ ગાડીઓ ચલાવતા હોય છે. સાથે કેટલીકવાર મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. અગાઉ પણ ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરીનું પણ મોત નીપજ્યું હતું. આ ગાડીઓમાં ઓવરલોડ કચરો ભરવામાં આવે છે. જેના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સત્તાધીશીને મારે કહેવું છે કે, સામાન્ય નાગરિકો પાસેથી સીટ બેલ્ટ અને હેલ્મેટના નામે દંડ લેવામાં આવે છે. તો પછી આવી ગાડીઓ ઓવરલોડ હોવા છતાં કેમ પગલાં લેવાતા નથી? સાથે આવા વાહનચાલકોને લાઇસન્સ વગર હોય તેવા કોન્ટ્રાક્ટર અને ડ્રાઇવર સામે પગલાં લેવા જોઈએ. આ સાથે 4 વર્ષની નેન્સીના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી અમારી માંગ છે.