- ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તમામ આરોપીઓ ઉત્કર્ષ વિદ્યાલય પાસે ફોરવ્હીલ કારમાં હોવાની માહિતી અકોટા પોલીસે ઝડપી પાડ્યા
વડોદરાનાં અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કપડાના વેપારીને બીલ આપવાના બહાને બોલાવી પ્રથમ ચાર રસ્તા ખાતે બ્રાઇટ લોન્ડ્રી ગદાપુરા બોલાવી માર મારનાર 4 આરોપીને તાત્કાલિક અકોટા પોલીસે ઝડપી પાડયા છે. આ મારામારીની સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
અકોટા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ BNSની કલમ 296, 115(2), 118(1), 54 મુજબનો ગુનો નોંધાયો હતો. જેમા ભોગ બનનાર ફરિયાદી આશિષ હોરીલાલ અગ્રવાલ (ઉં.વ. 37, રહે. 36 જવાહારનગર ઘડીયાળ સર્કલ, દિવાળીપુરા વડોદરા શહેર)ને પરમ ચોહાણ પાસે કપડા બાબતે પૈસા માંગતા હોવાથી તે પૈસાની ઉઘરાણી કરવા ફોન કર્યો હતો. જેમાં ફરિયાદી પોતાના મિત્રો સાથે તા.09/07/2024ના રાત્રીના પોણા આઠેક વાગ્યાની આસપાસ પ્રથમ ચાર રસ્તા ખાતે બ્રાઇટ લોન્ડ્રી ગદાપુરા ઊભો હતો. તે સમયે પરમ ચૌહાણ, જયેશ ભરવાડ (રહે. વાસણા વડોદરા) આવ્યા હતા અને રૂપિયા બાબતે કેમ વારંવાર ફોન કરે છે? તેમ કહી પરમ ચૌહાણ ગંદી ગાળો આપવા લાગ્યો હતો. જે બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતાં. તે દરમિયાન આરોપીના બીજા મીત્રો ગોવિંદ ભરવાડ અને બીજો એક શખસ જેનું પુરુ નામ-સરનામું જણાવ્યું નથી, તે તમામ સાથે મળી છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા.
આ દરમિયાન જયેશ ભરવાડના હાથમાં રહેલ સાવરણીના હાથનો ભાગ ફરિયાદીના માંથાના ભાગે મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તમામ લોકો ભાગી ગયાં હતાં. જે બાબતે અકોટા પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી અલગ-અલગ ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થળ પર હાજર મળી આવેલ સાહેદોના નિવેદન આધારે ઉંડાણ પૂર્વક તપાસ કરી હતી.
દરમિયાન આરોપીઓને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી ઉત્કર્ષ વિદ્યાલય પાસે ફોરવ્હીલ કારમાં હોવાની માહિતી આધારે તપાસ કરી તમામને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ગોવિંદ વિહાભાઈ ભરવાડ (ઉં.વ.32 રહે. મ.નં.19, અમરકુંજ સોસાયટી, ગદાપુરા, વડોદરા શહેર), જયેશ ભગવાનભાઇ ભરવાડ (ઉં.વ.23 રહે. એ/19, ક્રિષ્ણાપાર્ક સોસાયટી, વાસણા તળાવની બાજુમા, વડોદરા), પરમજીતસિંહ સુરજસિંહ ચોહાણ (ઉં.વ.27 રહે.મ.નં.75, ગદાપુરા સોસાયટી, ઉત્કર્ષ વિધ્યાલય પાસે, વડોદરા શહેર), રતન શંકરલાલ દેવાસી (રહે.75, ગદાપુરા, વડોદરા શહેર)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.