વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ મુકામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેંક સ્ટેટમેન્ટ લેવા ગયેલા પત્ની અને સાસુ પર કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ અને તેના મિત્રએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. જાહેરમાં પત્ની અને સાસુને માર મારી રહેલા પૂર્વે ડેપ્યુટી સરપંચથી લોકોએ વચ્ચે પડીને માંડ છોડાવ્યા હતા. આ અંગે પત્નીએ ફરિયાદ નોંધાવતા હુમલાખોર પતિ અને તેના મિત્રની ચાણોદ પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તા.16 માર્ચના રોજ બપોરે ચાણોદ ગામમાં રહેતા સેજલબેન માછી અને કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછી વચ્ચે કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટે પતિ સામે દાવો કરનાર પત્નીને બેંકનું છેલ્લા ત્રણ વર્ષનું સ્ટેટમેન્ટ લાવવા માટે જણાવ્યું હતું. કોર્ટે ભરણ-પોષણની રકમ નક્કી કરવા માટે પતિની આવક જોવી જરૂરી હોવાથી બેંક સ્ટેટમેન્ટ મંગાવતા પત્ની સેજલબેન તેમની માતા કોકીલાબેન બેન સાથે ગુરૂવારે બપોરે ચાણોદમાં આવેલી આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં બેંક સ્ટેટમેન્ટ લેવા ગયા હતા અને બેંક સ્ટેટમેન્ટ વડોદરા કોર્ટમાં રજૂ કરવાનું હતું.
દરમિયાન રસ્તામાં કરનાળીમાં જય કુબેર ગેસ્ટ હાઉસ ચલાવતા નારાયણભાઈ માછીના પુત્ર અને કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછી અને તેનો મિત્ર મિતેશ પ્રજાપતિ કારમાં ચાંદોદ આવી પત્ની અને સાસુને રોકીને ઝઘડો કરી હુમલો કર્યો હતો અને ભરણપોષણનો કેસ પરત ખેંચી લેવા માટે ધમકી આપી હતી.
ચાંદોદ ગામના જાહેર રોડ ઉપર પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછીએ પત્ની સેજલ અને સાસુ કોકીલાબહેનને માર મારતા સ્થાનિક લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા અને પત્ની અને સાસુને મારી રહેલા પૂર્વ સરપંચના સંકજામાંથી છોડાવ્યા હતા. સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ જતા પૂર્વ ડેપ્યુટી સરપંચ અને તેના સાગરીતો સ્થળ છોડી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ ઇજાગ્રસ્ત મા-દીકરીને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
પૂર્વ ડેપ્યુટી સરપંચના હુમલાનો ભોગ બનેલા સેજલબેન માછીએ જાહેરમાં પોતાને અને માતાને માર મારનાર પતિ સામે આ ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, મારા પતિ સામે કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન બેંકનું સ્ટેટમેન્ટ લાવવા કોર્ટે જણાવતા બેંકમાં સ્ટેટમેન્ટ લેવા જતા હતા ત્યારે રાજકીય વગ ધરાવતા પૂર્વ ડેપ્યુટી સરપંચ મારા પતિ ભુપેન્દ્ર માછીએ હુમલો કર્યો છે. તેઓની ધાકધમકી ભર્યા વલણને કારણે હવે ગામમાં રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે. પત્નીએ હુમલાખોર પતિ તેમજ તેના સાગરીતો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ચાંદોદ પોલીસે હુમલાનો ભોગ બનેલા સેજલબહેન માછીની ફરિયાદના આધારે પૂર્વ ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્ર માછી તેના પુત્ર અને મિત્ર મિતેષ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પત્ની અને સાસુને માર મારનાર આરોપીઓની પતિ અને મિત્રની ધરપકડ કરી છે.