- સાવલી પોલીસે 165 પેટી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો
- દારૂનો જથ્થો વડોદરાના બૂટલેગરોનો હોવાનું તપાસમાં બહાર આવતા ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
સાવલી પોલીસે ઉત્તમનગર ગામની સીમમાં એક ઓરડીમાં છૂપાવી રાખેલો રૂપિયા 13.81 લાખનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. આ દારૂનો જથ્થો વડોદરાના બૂટલેગરોનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને બુટલગરો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મળેલી માહિતી પ્રમાણે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર જિલ્લાની પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. દરમિયાન વડોદરા ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા સાવલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ઉત્તમનગર ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સુરેખા મહેશભાઇ ચૌહાણ (રહે. વાઘોડિયા, વડોદરા) મળી આવ્યા હતા. સ્થળ પરથી પોલીસને 165 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 13.81 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
સ્થળ ઉપરથી મળી આવેલા સુરેખા ચૌહાણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો ભાવેશસિંહ જશવંતસિંહ ચૌહાણ (રહે. વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા, વડોદરા) અને શૈલેષ વિક્રમભાઇ ચૌહાણ (રહે. રાજપુરા, વાઘોડિયા) બે દિવસ પહેલા રાત્રિના સમયે મોટા વાહનમાં લાવ્યા હતા. આ દારૂ વડોદરા શહેર તરફ લઇ જવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાવલી પોલીસે સુરેખા ચૌહાણે આપેલી માહિતી મુજબ બૂટલેગર શૈલેષ ચૌહાણ અને ભાવેશસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.