પાલિકામાં કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની પ્રથા માટે અધિકારીઓ અને શાશકો વચ્ચે સમજોતા એક્સપ્રેસ દોડી ..!

બોલો, પ્રજા રામ ભરોસે અને શાસકોને કોન્ટ્રાક્ટરોની ચિંતા..!

MailVadodara.com - For-the-practice-of-extending-the-contract-in-the-municipality-the-express-ran-between-the-officials-and-the-rulers

- કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની પાંચ દરખાસ્ત સ્થાયી સમિતિમા રજુ થઈ

- કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની ગોબાચારીમાં મલાઈદાર સ્થાયી સમિતિ પણ સામેલ..!

- આવી ગોબાચારીને અદાલતમાં પડકારીશું : ચંદ્રકાન્ત શ્રીવાસત્વ

- કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યાં સુધી અધિકારીઓ ઉંઘતા રહે છે..?

વડોદરા મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની નવી પ્રથા શરૂ થઈ છે. કોન્ટ્રાક્ટરના વિકાસ માટે શાશકો અને અધિકારીઓ એક થઈ મહેનત કરે છે.

       શહેરની પ્રજાની પ્રજાની સુખાકારી માટે ચૂટાઈ આવતા શાશકો પ્રજાને રામ ભરોસે છોડી કોન્ટ્રાકટરની ચિંતા કરે છે. વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર સોળે કળાએ ખીલ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા કરાવવા શાશકો અને અધિકારીઓ બેબાકળા બનતા હોય એમ લાગે છે. તાજેતરમાં સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજુ થયેલી દરખાસ્તો પૈકી પાંચ દરખાસ્ત કોન્ટ્રાક્ટ લંબાવી આપવા માટે રજુ થઈ છે. આ પાંચ દરખાસ્તમાં કોન્ટ્રાક્ટનો 

સમય પૂરો થઈ ગયો છે અને કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની મંજૂરી માંગવામાં આવી છે. કોન્ટ્રાક્ટ લંબાય એટલે આજના સ્પર્ધાત્મક યુગમાં કોન્ટકટરને વગર ટેન્ડરે આગળ કામ કરવાની મંજૂરી મળી જાય. આમ કોન્ટ્રાક્ટરને ઘી-કેળા કરી આપતી દરખાસ્ત અધિકારીઓ લાવે છે અને શાશકો મંજુર કરે છે. શાશકો અધિકારીઓને એવું પૂછવાની હિંમત નથી કરતા કોન્ટ્રાકટ પૂરો થવા આવ્યો ત્યાં સુધી તમે કેમ ઉંઘતા રહ્યા ? પાર્કસ એન્ડ ગાર્ડન શાખાએ શ્રી હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામના કોન્ટ્રાકટરને મુદત લંબાવી રૂ.૫૦ લાખની મર્યાદામાં કામ ચાલુ રાખવાની મંજૂરી માંગી છે. બ્રિજ એન્ડ પ્રોજેક્ટ શાખાએ મેસર્સ શાંતિલાલ બી પટેલ નામના કોન્ટ્રાક્ટરને નવું ટેન્ડર મંજુર ના થાય ત્યાં સુધી રૂ.૫૦ લાખની મર્યાદામાં કામ લંબાવી આપવાની મંજૂરી માંગી છે. સયાજીબાગમાં પ્રાણીઓ માટે અમુલ દાણ પુરા પાડતા શ્રી આશાપુરા પશુ આહાર નામના કોન્ટ્રાકટરનો રૂ.૩૦.૯૨ લાખનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ માટે  લંબાવી આપવાની મંજૂરી માંગવામાં આવી છે. આવી જ રીતે સયાજીબાગમાં અનાજ પૂરું પાડતા શ્રી લક્ષ્મી ટ્રેડિંગ કંપનીના રૂ. ૨૧.૭૭ લાખના કોન્ટ્રાકટને ત્રણ માસ સુધી લંબાવી આપવાની દરખાસ્ત છે. પાણી પુરવઠા વિભાગ ના મેસર્સ વી. એ. ટેક વાબાગ નામના કોન્ટ્રાક્ટરને પણ નવો કોન્ટ્રાક્ટ મંજુર ના થાય ત્યાં સુધી રૂ.૧૬.૬૬લાખનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવાની મંજૂરી માંગવામાં આવી છે. આમાં પાંચ દરખાસ્ત વહીવટી તંત્રની ગોબાચારીની ચાડી ખાય છે. કોંગ્રેસના પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ આવી ગોબાચારી સામે અદાલતમાં જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

     અહીં સવાલ એ છે કે જો કોન્ટ્રાક્ટ લંબાવવાનો જ હોય તો એક વર્ષ ના બદલે બે વર્ષનો કોન્ટ્રાક્ટ ના આપવો જોઈએ ? ટેન્ડર પ્રક્રિયા અધિકારીઓ માટે જાણે રોકેટ સાયન્સ હોય એમ દર વખતે ટેન્ડર પ્રક્રિયા મોડી કેમ કરવામાં આવે છે ? શું અધિકારીઓ અને શાસકોની મીલીભગત થી ઈરાદાપૂર્વક ટેન્ડર પ્રક્રિયા મોડી થાય છે ? 

શું આ આગોતરા આયોજનની અણ આવડત ના કહેવાય ?

આવા અનેક સવાલો અધિકારીઓ અને મલાઈદાર ગણાતિ સ્થાયી સમિતિ સમક્ષ ઉભા થાય છે.

Share :

Leave a Comments