ચાર વર્ષથી કોર્પોરેશનમાં સમાવેશ વડદલા ગામના લોકોને વીજ પુરવઠો ન મળતાં રસ્તા રોકો આંદોલન

તરસાલીના વડદલા ગામનો 2019થી કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયો છે

MailVadodara.com - For-four-years-the-people-of-Vaddala-village-included-in-the-corporation-are-not-getting-electricity-supply-and-the-road-stop-movement

- ગામ લોકોની ચિમકી, અમારો પ્રશ્ન વહેલી તકે હલ નહીં કરાય તો હજુ ઉગ્ર આંદોલન કરીશું, અમે વીજળીના ધાંધિયાથી ત્રાસી ગયા છીએ


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ચાર વર્ષથી સમાવિષ્ટ તરસાલી નજીક આવેલા વડદલા ગામના લોકોએ વીજ પ્રશ્ને આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો હતો. ગામ લોકોએ ચિમકી આપતા જણાવ્યું હતું કે, અમારો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન કરીશું. અમે વીજળીના ધાંધિયાથી ત્રાસી ગયા છીએ.

વડોદરા શહેરનો વિસ્તાર અને વસ્તીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી વર્ષ 2019માં વધારાના સાત ગામનો સમાવેશ કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગામોના લોકો પાસેથી વેરાની વસુલાત પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાની માંગણી મુદ્દે આંદોલન કર્યું હતું અને વેરો નહીં આપવાની માંગણી કરી હતી, પરંતુ આજે પણ કોર્પોરેશન દ્વારા સાત ગામો પૈકી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનની હદમાં તરસાલી નજીક આવેલા વડદલા ગામનો સમાવેશ પણ વર્ષ 2019થી કરવામાં આવ્યો હતો. આ વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે અનેક સોસાયટી એપાર્ટમેન્ટ પણ બંધાઈ રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા મળતી નથી તો બીજી બાજુ વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા છતાં પણ વીજ પુરવઠો જામ્બુવા સબ સ્ટેશનથી આપવામાં આવી રહ્યો છે. જેને કારણે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહે છે જેથી આજે વડદલાના રહીશોએ વીજ પુરવઠો વડોદરા કોર્પોરેશનની હદમાંથી તરસાલી સબ સ્ટેશનમાંથી મળે તેવી માંગણી સાથે રસ્તા રોકો આંદોલન કરી વીજ કંપનીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. 


વીજળી ગુલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન સ્થાનિક મહેશભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, વડોદરા શહેર નજીક આવેલ વડદલા ગામનો વર્ષ 2019-20થી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં પાલિકા દ્વારા મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. એક મહિનામાં માત્ર 8 દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય છે. વીજળી ગુલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. વેપાર-ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ગામનો કોર્પોરેશનમા સમાવેશ કરવા છતાં ગામને ગ્રામ્યની લાઈનમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે. જામ્બુવા સબ સ્ટેશન લાગે છે. અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં નિરાકરણ આવ્યું નથી. અમારા ગામને તરસાલી સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો આપવા અમારી માગ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવતા આજે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આજના કાર્યક્રમ પછી પણ અમારો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Share :

Leave a Comments