- દુકાનોના ભાડાપટ્ટાની મુદત પુરી થાય એટલે ફરી થી હરાજી કરવાનો નિયમ
- ભાડામા માત્ર દશ ટકાના વધારા સાથે દુકાન પધરાવવાથી પાલિકાને નુકસાન નહીં થાય..?
વડોદરા શહેરના કારેલીબાગમા આવેલા રાત્રી બજારની પાંચ દુકાનો નિયમોના વિરુદ્ધ જઈ રીન્યુ કરવામાં આવશે. પાલિકા આ દુકાનો પાસેથી ત્રણ વર્ષ દરમ્યાન ૧૦ ટકા ભાડામાં વધારો કરશે.
વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટના પાપે નુકસાન વેઠવાનો વારો આવે છે. કારેલીબાગ ખાતે આવેલા રાત્રી બજારની દુકાનો ત્રણ વર્ષ માટે ભાડેપટ્ટે આપવામાં આવે છે જેનાથી પાલિકાને આવક થાય છે. ત્રણ વર્ષ બાદ આ દુકાનો માટે નવેસર થી ટેન્ડર પ્રક્રિયા દ્વારા હરાજી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે હરજીમાં ભાડા ની આવક વધે. પરંતુ પાલિકાના જમીન મિલ્કત વિભાગ ને દુકાનો ભાડે રાખનાર પર હેત ઉભરાયું હોય એમ આ વર્ષે ટેન્ડર પ્રક્રિયા અને હરાજી નો બાધ હટાવી લેવામાં આવ્યો છે. આ વર્ષે સાત દુકાનોના ભાડા પટ્ટાની મુદત પુરી થાય છે. સાત પૈકી પાંચ દુકાન ધારકો દુકાન વધુ ત્રણ વર્ષ માટે રાખવા માંગે છે, જયારે બે દુકાન ધારકો દુકાન પાછી આપવા તૈયાર છે. પાલિકાના જમીન મિલ્કત શાખાએ પાંચ દુકાનોને ભાડા મા ૧૦ ટકાના વધારા સાથે ત્રણ વર્ષના ભાડેપટ્ટે આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી છે. અહીં સવાલ એ છે કે જયારે ત્રણ વર્ષ બાદ હરાજી પ્રક્રિયા કરવાનો નિયમ છે તો પછી એનું ઉલ્લંઘન કેમ કરવામાં આવ્યું ? આમ સીધે સીધા દુકાનો આપી દેવાની હોય તો હરાજી નો નિયમ શું કામ બનાવ્યો ? જો હરાજી કરવામાં આવે તો દુકાન મેળવવાની સ્પર્ધામા પાલિકાને ફાયદો ના થાય ? હવે જોવાનું એ રહ્યું કે સ્થાયી સમિતિ આ બાબતે જમીન મિલ્કત શાખાની પડખે ઉભી રહે છે કે નિયમોનું પાલન કરાવે છે.