- પ્રથમ રાઉન્ડમાં આશરે 650 ઉમેદવારોને બોલાવાયા હતા, ગેરહાજર ઉમેદવારોને બે-ચાર દિવસમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની 552 જગ્યા માટે પરીક્ષામાં ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આ કામગીરી ગયા અઠવાડિયે કરવામાં આવી હતી. જેમાં આશરે 650 ઉમેદવારોને બોલાવાયા હતા. પ્રથમ રાઉન્ડમાં જે લોકો ગેરહાજર રહ્યા હતા તેઓને બે-ચાર દિવસ બાદ ફરી પ્રમાણપત્રો સાથે બોલાવવામાં આવશે. આ ઉપરાંત ત્રીજો પણ એક રાઉન્ડ હાથ ધરવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે.
ગઈ તારીખ 1 ના રોજ કમાટીબાગના પ્લેનેટેરિયમમાં 10 ટેબલ પર 10 ટીમ પ્રમાણપત્રોની ચકાસણી માટે કાર્યરત કરાઈ હતી. રોજ અંદાજે 150 ઉમેદવારોને બોલાવાયા હતા. પાંચ-છ દિવસ ચાલેલી આ કામગીરી દરમિયાન ઘણા ઉમેદવારો પણ પત્રોની ચકાસણી માટે રૂબરૂ હાજર રહ્યા ન હતા. જોકે કોર્પોરેશન દ્વારા ગેરહાજર રહેલ ઉમેદવારને આગળ ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરાવવામાં આવશે તેમ કહ્યું હતું, આમ છતાં પણ તેઓને કોર્પોરેશન તક આપવા માંગે છે, તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી જુનિયર ક્લાર્કની સંવર્ગ-3 ની 552 જગ્યા માટે તારીખ 8 ઓક્ટોબરના રોજ લેખિત પરીક્ષા એમસીક્યુ તથા ઓએમઆર પદ્ધતિથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી. પ્રમાણપત્રોની બે-ત્રણ તબક્કાની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી અને પ્રતીક્ષા યાદી જાહેર કરાશે.