- સાવલી નગર ફાયરના લાશ્કરોએ પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
- સ્થાનિકોનો આક્ષેપ, ઘન કચરો ન ઠાલવવા અનેક વખત રજૂઆતો કરવા છતાં સત્તાધિશો સાંભળતા નથી
વડોદરા જિલ્લાના સાવલીમાં ભાટપુરા ચોકડી પાસે ઘન કચરામાં આગ લાગતાં દુર્ગંધયુક્ત ધુમાડાનાં ગોટે ગોટા હવામાં ભળતાં સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગ લાગતાં તુરંત જ ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ઘન કચરો ન ઠાલવવા અનેક વખત રજૂઆતો કરવા છતાં સત્તાધિશો સાંભળતા નથી.
સાવલી નગરપાલિકા દ્વારા ઘન કચરો તેમજ ડોર ટુ ડોર ઘન કચરો ભેગો કરી નગરના છેવાડે ભાટપુરા ચોકડી પાસે એકઠો કરવામાં આવે છે. આ કચરાના ઢગલામાં મહિનામાં એક-બે વખત રહસ્યમય આગ લાગે છે. મોડી રાત્રે આ કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા હતા. આગના આ બનાવની જાણ સાવલી નગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંતજ લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જોકે, આગ લાગ્યા બાદ દુર્ગંધ મારતા ધુમાડાના કારણે નજીકનાં રહેણાંક વિસ્તારમાં લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું હતું. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેમાં ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉમરના લોકોને રાત પસાર કરવી મુશ્કેલ થઇ ગઇ હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને પાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો.
સ્થાનિક ગીરીશભાઇ પરમાર સહિત લોકોએ જણાવ્યું હતું કે, સાવલી નગરમાંથી એકઠો થતો કચરો ભાટપુરા ચોકડી પાસે ઠાલવવામાં આવે છે. મોડી રાત્રે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાય છે. લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. અવારનવાર આગની ઘટના બને છે. આ આગ આપમેળે નહીં પરંતુ, લગાવવામાં આવી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, કચરાના ઢગલામાં જ્યારે આગ લાગે છે અથવા કચરાનો નિકાલ કરવા માટે આગ લગાવવામાં આવે છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને આંખોમાં બળતરા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અનેક વખત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની કચરા બાબતે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ઉડાઉ જવાબો આપવામાં આવે છે. અમે હવે ત્રાસી ગયા છે. મોડી રાત્રે આગ લાગતાં રાત પસાર કરવી મુશ્કેલ બની હતી.