શહેરના લક્ષ્મીપુરા રોડ પર ફર્નિચર તૈયાર કરતા એક ગોડાઉનમાં આજે સવારે આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આંગન ટાવર પાસે પ્લોટમાં ફર્નિચર બનાવવાનું કામ કરવામાં આવતું હોવાથી ત્યાં ફર્નિચરનો સ્ટોક પણ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોએ ફર્નિચરના ગોડાઉનનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવાતી ન હતી.
આજે સવારે ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં છવાયા હતા. જેને પગલે સ્થાનિકોમાં ગભરાટની લાગણી આપી હતી. ફાયર બ્રિગેડની મદદ લેવાતા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. ઉપરોક્ત બનાવો અંગે સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, દિવસ દરમિયાન બનાવ બન્યો હોવાથી જાનહાની થતા રહી હતી. જો રાત્રે જ આ બનાવ બન્યો હોત તો કોણ જવાબદાર હોત. કોર્પોરેશન એ સત્વરે આ બાબતે કામગીરી કરવી જરૂરી છે.