- એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગનું કારણ ખબર પડશે
- બીજા બનાવમાં શહેરના મુખ્ય બજાર ગેંડીગેટ વિસ્તારમાં સુલેમાની કો-ઓપરેટીવ બેંકમાં રેકોર્ડ રૂમમાં આગ લાગતા મોટી નુકસાની થતાં બચી
વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા MIG ફ્લેટના મકાનમાં સવારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કામગીરી દરમિયાન ઘરમાંથી એક વૃદ્ધ દિવ્યાંગનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઇ ફાયય વિભાગે પોલીસ અને 108ની ટીમને જાણકારી આપી હતી. ત્યારબાદ તેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ એમઆઈજી ફ્લેટ 25/150માં સવારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. રાહદારીએ આ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક વડીવાળી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. કામગીરીમાં ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો. કામગીરી દરમિયાન મકાનમાં રહેતા 69 વર્ષે રવિન્દ્ર કુમાર શર્મા કે જેઓ દિવ્યાંગ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે, તેઓનો મૃતદેહ દાઝેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે વડોદરા કાયર એન્ડ ઇમરજન્સી વિભાગના અધિકારી દ્વારા 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ અંગે ફાયર અધિકારી હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, ઇલોરા પાર્ક એમઆઈજી ફ્લેટમાં મકાનમાં આગનો બનાવ સામે આવતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમેં પહોંચ્યા ત્યારે આગ નોર્મલ હતી, પરંતુ સ્મોક ખૂબ જ હોવાના કારણે અંદર કશું દેખાતું નહોતું. બાદમાં અમે અંદર પહોંચ્યા હતા અને કૂલિંગનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિનો મૃતદે મળી આવ્યો છે.
વધુમાં કહ્યું કે, આગનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી, પરંતુ એફએસએલ રિપોર્ટ બાદ કારણ ખબર પડશે. ફ્લેટના બીજા માળે આગ લાગી હતી અને આ રૂમમાં રહેતા વૃદ્ધ દિવ્યાંગ હોવાનું તેઓના પરિવારજને જણાવ્યું છે. ત્યાં આસપાસ મોટા પ્રમાણમાં કચરો હોવાના કારણે આગ વધુ લાગી હોવાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના બે વિસ્તારોમાં આજે સવારે આગના બનાવો સામે આવ્યા છે. જેમાં શહેરના મુખ્ય બજાર ગેંડીગેટ વિસ્તારમાં સુલેમાની કો-ઓપરેટીવ બેંકમાં રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. સદનસીબે આ રેકોર્ડ રૂમમાં તમામ વેસ્ટ રેકોર્ડ હોવાના કારણે મોટી નુકસાની થતાં બચી છે. ત્યારે થોડાક સમય બાદ જ શહેરના ઇલોરા પાર્કમાં આવેલ એમઆઈજી ફ્લેટમાં આગનો બનાવ સામે આવતા જેમાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપ્યું છે. આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.