- ઓફિસમાં પીઓપી હોવાના કારણે આગ વધુ લાગી હતી, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયરની બે ટીમેે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવરના 7માં માળે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને લઇ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયરની બે ટીમો આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ બિલ્ડીંગમાં રહેલ ફાયરના સાધનો શરૂ હોત તો વધુ સમય ન લાગ્યો હોત. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગના આ બનાવમાં મનુભાઈ ટાવરના સાતમા માળે આવેલ અને ભાડાની ઓફિસ જેમાં બેનેટ ફાર્મ પ્રા.લી નામની ઓફિસ અને અન્ય ત્રણ ઓફિસમાં આગ લાગી હતી. ઓફિસમાં રહેલ ટેબલ, કમ્પ્યુટર, ફાઈલ અને ફર્નિચર સ્વાહા થઈ ગતું હતું. સાથે ઓફિસમાં પીઓપી હોવાના કારણે આગ વધુ લાગી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગના કર્મચારીઓની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ અંગે દાંડિયા બજાર સ્ટેશનના ફાયર ઓફિસર હર્ષવર્ધન એ જણાવ્યું હતું કે, સયાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવરના સાતમા માળે આગ લાગી હતી. આ બનાવ અંગે કોલ મતળા તાત્કાલિક બે ટીમ રવાના થઈ હતી. આ આગ કયા કારણોસર લાગી છે તે હાલમાં જાણી શકાયું નથી, ફાયર વિભાગ પહોંચી ત્યારે આ રૂમ બંધ હતા અને તેને તોડી કામગીરી કરી છે. અમારા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરી હાલમાં આગ પર કાબુ મેળવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, સાતમા માળે આગ લાગી છે, અહીં ફાયરના સાધનોને લઇ એનઓસી તપાસવામાં આવશે, બાદમાં કાર્યવાહી કરવામાં આવશે. ત્રણથી ચાર ઓફિસોની અંદર આગ લાગી હતી અને બંધ હોવાના કારણે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. જો ફાયર ઇક્વિપમેન્ટ ચાલુ હોત તો અમારો સમય બચ્યો હોત, આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ આ મનુભાઈ ટાવરમાં હાયરાઇઝ બિલ્ડીંગ છે અને તેને લઇ આગ માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. સવારનો સમય હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ જો બપોરના સમયે લાગી હોત તો મોટી જાનહાની થવાની શક્યતાઓ રહેલી હતી. જો આ બિલ્ડીંગમાં ફાયર ઇક્વિપમેન્ટ શરૂ હોત તો સમય ઓછો લાગ્યો હોત અને આ બાબતે ફાયર વિભાગ એનઓસી ચેક કરી કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું છે. આજ બિલ્ડિંગમાં ભારતીય જનતા પાર્ટીની શહેર કાર્યાલય પણ આવેલી છે. ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શહેરમાં હાયરાઇઝ બિલ્ડીંગો હોવા છતાં પણ ફાયરના જે સાધનો છે તે ખૂબ જ દયનિય હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંયા કલાસીસ અને અનેક ઓફિસો આવેલી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.