- ગોડાઉનમાં મુકેલું સોના-ચાંદી આગથી બચાવી ફાયર બ્રિગેડના લાશ્કરોએ માલિકને આપ્યું
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર પેપર અને પુઠા અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે જેસીબીની મદદથી ગોડાઉનની દીવાલો તોડીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ગોડાઉનમાં મુકેલું સોના-ચાંદી આગથી બચાવી ફાયર બ્રિગેડના લાશ્કરોએ માલિકને આપ્યું હતું.
વડોદરા શહેર આવેલા નેશનલ હાઇવે 48 પર આવેલા વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં આવેલ પેપર અને પુઠાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ગોડાઉનમાં પસ્તી-કાગળ, પુઠા અને અન્ય પરચુરણ વસ્તુઓ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને ધુમાડાના ગોટે ગોટા દુર-દુર સુધી દેખાવા લાગ્યા હતા, જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
આગની ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી અને વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. ગોડાઉનમાં પેપર અને પુઠા સહિત ગૃહ ઉદ્યોગને લગતો પ્લાસ્ટિકના રો-મટીરીયલ સહિતના જથ્થા રાખવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક અને પુઠ્ઠાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડને અડચણ આવતા જેસીબીની મદદથી ગોડાઉનની દિવાલો તોડીને ફાયર બિગ્રેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુ મેળવ્યો હતો. જેથી આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગોડાઉનના માલિક રામેશ્વર નાવડીયાએ ગોડાઉનમાં સાત તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી પણ તેમને મૂકી હતી, જે આગની ઝપેટમાં આવે તે પહેલા ફાયર લાશ્કરો એ સલામત રીતે બહાર કાઢી માલિકને સુપ્રત કરી હતી. ભીષણ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ, ગોડાઉનમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી પાણીગેટ ફાયરબ્રિડના સબ ફાયર ઓફિસર હિરેન ગઢવીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા અમે ગોડાઉન ખાતે દોડી ગયા હતા. જ્યાં અમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ગોડાઉનમાં રાખેલુ સોનુ અને ચાંદી આગથી બચાવીને માલિકને પરત આપ્યું હતું.