MSUની બોઇઝ હોસ્ટેલના ગેટ પાસે મોડી રાત્રે બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી, બેની અટકાયત

યુનિવર્સિટીમાં ગમે ત્યારે થતી મારા મારીએ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાવી દીધો

MailVadodara.com - Fight-between-two-student-groups-late-at-night-near-gate-of-MSU-boys-hostel-two-detained

- બિહારી જૂથ અને કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મેસેજ કરવા મુદ્દે મારામારી થઇ 

- બે જૂથો વચ્ચે થયેલી છૂટ્ટા હાથની મારામારીના પગલે વિદ્યાર્થીઓના ટોળા એકઠા થઇ ગયા, મોડી રાત્રે પોલીસ દ્વારા હોસ્ટેલમાં ચેકિંગ કરાયું, વિદ્યાર્થીઓમાં ગભરાટ

વિશ્વ વિખ્યાત કહેવાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતા કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ ભણવાને બદલે મારામારીના પાઠ વધુ ભણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોડી રાત્રે બિહારી અને કેમ્પસમાં રહેતા વિદ્યાર્થી જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં મારામારી થઇ હતી. આ મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. તો બીજી બાજુ મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મામલો સયાજીગંજ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસે આ બનાવમાં બે વિદ્યાર્થીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

M.S.યુનિવર્સિટીમાં બોઇઝ હોસ્ટેલના ગેટ પાસે મોડી રાત્રે બિહારી જૂથ અને કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મેસેજ કરવા બાબતે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. મોડી રાત્રે બોઇઝ હોસ્ટલના ગેટ પાસે શહેરના કોઇ સ્લમ વિસ્તારમાં મારામારી થતી હોય તે રીતે મારામારી થતાં સન્નાટો છવાઇ ગયો હતો. બે જૂથો વચ્ચે થયેલી છૂટ્ટા હાથની થયેલી મારામારીના પગલે વિદ્યાર્થીઓના ટોળા એકઠા થઇ ગયા હતા.


બોઇઝ હોસ્ટેલના ગેટ પાસેજ થયેલી બિહારી અને કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના બનાવની જાણ યુનિવર્સિટી વિજીલન્સ અને સયાજીગંજ પોલીસને થતાં કાફલો દોડી આવ્યો હતો. પોલીસ આવી પહોંચતા મારામારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. મારામારીના બનાવને પગલે પોલીસે બોઇઝ હોસ્ટેલમાં ચકિંગ હાથ ધરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડી રવાના થઇ ગયા હતા. જોકે, પોલીસે મારામારીના આ બનાવમાં બે વિદ્યાર્થીઓને દબોચી લીધા હતા.


મળેલી માહિતી પ્રમાણે થયેલી મારા મારીના પગલે M.S.યુનિવર્સિટીના ગેટ પાસેનું કેમ્પસ સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું. બિહારી અને કેમ્પસના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થયાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, કહેવાય છે કે, મેસેજ કરવા મુદ્દે બે જૂથો વચ્ચે મારા મારી થઇ હતી. મારામારીના આ બનાવ બાદ મોડી રાત સુધી સયાજીગંજ પોલીસ મથકે વિદ્યાર્થીઓના ટોળેટોળા રહ્યા હતા.


બે જૂથ વચ્ચે થયેલી મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. સયાજીગંજ પોલીસે આ બનાવ અંગે બંને જૂથોની રજૂઆતો સાંભળી કાર્યવાહી હાથ ધરી હતી. યુનિવર્સિટીમાં છેલ્લા પંદર દિવસમાં બીજી વખતના મારામારીના બનેલા બનાવોને પગલે ખરેખર યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે જવું મુશ્કેલ થઇ ગયું છે. યુનિવર્સિટીમાં ગમે ત્યારે થતી મારા મારીએ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Share :

Leave a Comments