પોર GIDCમાં હિંદુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે વિકરાળ આગ, લાખોનું નુકસાન

આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ 5 કિમી દૂરથી દેખાઇ

MailVadodara.com - Fierce-late-night-fire-at-Hindustan-Fiber-Glass-Company-in-Por-GIDC-loss-of-lakhs


વડોદરા નજીક આવેલ પોર  GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરતજ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ 5 કિમી દૂરથી દેખાઇ રહી હતી. આગને પગલે કંપનીમાં કામ કરતા સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, કંપનીમાં ફાઇબર મટીરીયલ હોવાના કારણે આગ કાબુમાં આવ્યા બાદ પણ આખી રાત કુલીંગની કામગીરી ચાલુ રહી હતી. ભીષણ આગમાં કંપની ખાખ થઇ ગઇ હતી.


મળેલી માહિતી પ્રમાણે પોર GIDCમાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ નામની કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાજ અફરા-તફરી મચી ગઈ હતી. બીજી બાજુ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડોદરા GIDC ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા. 

આકાશમાં ચુંબતી પ્રચંડ આગની જ્વાળાઓને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આયોજન બધ્ધ રીતે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. આ આગને કાબુમાં લેવા માટે 3 ફાયર એન્જિન અને 10થી વધુ લાશ્કરો કામે લાગ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લઇ લીધી હતી. પરંતુ, કંપનીમાં POP મટીરીયલ હોવાના કારણે આખી રાત પાણી મારો ચલાવી કુલીંગની કામગીરી કરવામાં આવી હતી.


ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ 5 કિલો મીટર દૂર સુધીના એરીયામાં દેખા દીધી હતી. આ બનાવને પગલે પોર GIDCમાં આવેલી કંપની સંચાલકોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. મોડી રાત્રે લાગેલી આગના રૌદ્ર સ્વરૂપને જોવા માટે GIDC માં નોકરી કરતા કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડને આગને કાબુમાં લેવા માટે દૂરથી પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી. સદભાગ્યે આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગમાં કંપની ખાખ થઇ ગઇ હતી.


હિંદુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, આગના આ બનાવે GIDCમાં ચકચાર જગાવી મૂકી હતી. આગના આ બનાવની જાણ થતાં વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.જી. લાંબરીયા સ્ટાફ સાથે દોડી ગયા હતા. પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.


Share :

Leave a Comments