ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર માર્યો, વૃદ્ધ આજીજી કરતા રહ્યા તોય ના છોડ્યા

માંજલપુરમાં જાહેરમાં વૃદ્ધને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

MailVadodara.com - Fearing-theft-unknown-youths-beat-the-old-man-but-the-old-man-kept-pleading-and-did-not-let-go

- માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચતા માર મારનાર ઇસમો ફરાર થઇ ગયા

 - ઇજાગ્રસ્ત પુરુષને નામ-સરનામું પૂછતા તે બોલતો ન હતો અને તે માનસિક અસ્વસ્થ હોવાનું જણાયું હતું, માર મારનાર ઇસમો સામે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી


વડોદરા શહેરના મંજલપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જે ઘટનાનો વીડિઓ પણ સામે આવ્યો છે. આ વીડિઓમાં બે યુવક વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય એવું નજરે પડી રહ્યું છે. આ મામલે માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટ વીડિયોમાં નજરે પડે છે. વૃદ્ધ છોડી દેવા આજીજી કરે છે છતાં નિર્દયતાથી યુવકો તેમને મારે છે, સાથે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જુએ છે. સમગ્ર બાબતે માંજલપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, ઇજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.


આ મામલે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ હું મારી કંપનીથી કારમાં મારા ઘરે જતો હતો. એ વખતે સાંજના આશરે સવા છ વાગ્યાના સુમારે તુલસીધામ ચાર રસ્તા પર સર્કલ આવેલું છે એની આજુબાજુ લાઈટિંગ છે તેમજ ફુવારા માટે સબમર્સિબલ પંપ લગાડેલો છે એ જગ્યાએ એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા. એમાંથી એક વ્યક્તિ પાઇપથી તે વૃદ્ધને મારતો હતો અને ગંદી ગાળો બોલતો હતો. જેથી મેં આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને માંજલપુર પોલીસની ગાડી આવતાં માર મારનાર ઇસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ફરિયાદ દરમિયાન જેને માર મારવામાં આવ્યો હતો તે અજાણ્યા પુરુષનું નામ સરનામું પૂછતાં તે બોલતો નથી અને તે માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. તેમને માંજલપુર પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હતા, સાથે માર મારનાર ઇસમો સામે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ થતા વિવિધ પ્રકારની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે, કોઇપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો ન જોઇએ. ચોર પકડાયો હોય તો પોલીસને જાણ કરી તેને સોંપી દેવો જોઇએ.

Share :

Leave a Comments