વડોદરામાં ફરસાણના વેપારીએ ફુગવાળા પેંડા ગ્રાહકને પધરાવતાં હોબાળો, ફૂડ વિભાગે સેમ્પલ લઈ નોટિસ આપી

કડક બજારમાં આવેલી સત્યનારાયણ ફરસાણની દુકાનમાંથી ફુગવાળા બુંદીના લાડુ મળ્યાં

MailVadodara.com - Farsan-dealer-slaps-puffed-pandas-on-customers-food-department-issues-notice-after-taking-samples

- ફૂડ વિભાગ આવે તે પહેલાં વેપારીએ અખાદ્ય વસ્તુઓ સગેવગે કરવાનો પણ પ્રયાસ કર્યો, ફૂડ વિભાગે પામોલીન, બેસન અને સેવના સેમ્પલ લઇ શિડ્યુલ-4ની નોટિસ આપી


વડોદરાના કડક બજારમાં આવેલી સત્યનારાયણ ફરસાણની દુકાનમાં ગ્રાહકને ફુગવાળા પેંડા પધરાવી દેતા હોબાળો મચી ગયો હતો. આ સમયે દુકાનમાંથી ફુગવાળા બુંદીના લાડુ મળી આવ્યા હતા. ગ્રાહકની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દોડી ગઇ હતી અને સેમ્પલ લઇને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જીવાત પડેલા અખાદ્ય ખાણીપીણીની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આજે વડોદરા શહેરમાં પણ આવો એક બનાવ સામે આવ્યો છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કડક બજારમાં સત્યનારાયણ ફરસાણની દુકાન આવેલી છે. આ દુકાનમાં એક ગ્રાહક પુષ્પક કોટીયા પેંડા લેવા માટે ગયો હતો. તેને પેંડા ખરીદ્યા બાદ જોયુ તો તેમાં ફુગ હતી. આ ઉપરાંત દુકાનમાં પડેલા બુંદીના લાડુમાં પણ ફુગ હતી. આવી અખાદ્ય મીઠાઇ જોઇને ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ગ્રાહકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ પણ ઓનલાઇન રજૂઆત કરી છે. જોકે, ફૂડ વિભાગ આવે તે પહેલાં વેપારીએ અખાદ્ય વસ્તુઓ સગેવગે કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવકની ફરિયાદને પગલે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ફરસાણની દુકાનમાંથી પામોલીન, બેસન અને સેવના સેમ્પલ લીધા છે અને શિડ્યુલ-4ની નોટિસ આપી છે.


ગ્રાહક પુષ્પક કોટીયાએ જણાવ્યું હતું કે, મારો ભાણીયો પરિક્ષામાં પાસ થયો હતો. જેથી મારે બધાને મીઠાઇ ખવડાવવી હતી. જેથી હું કડક બજારમાં આવેલી સત્યનારાયણ ફરસાણની દુકાનમાં મીઠાઇ લેવા માટે ગયો હતો. જ્યાં મીઠાઇમાં ખૂબ દુર્ગંધ મારતી હતી અને મોતીચુરના લાડુ સહિતની મીઠાઇઓમાં ફૂગ લાગી ગયેલી હતી અને ફૂડ સેફ્ટીનું કોઇ ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. આરોગ્ય વિભાગે અહીં દરોડા પાડીને વેપારી સામે કાર્યવાહી કરવી જોઇએ અને આવા વેપારીઓનું કાયમી લાયસન્સ રદ્દ કરીને દુકાન બંધ કરાવી દેવી જોઇએ.


દુકાનના માલિક ભગવાનદાસ અગ્રવાલે કહ્યું હતું કે, હું 30થી 40 વર્ષથી આ દુકાન ચલાવુ છું. આ લાડું 3થી 4 દિવસ પહેલાના જ છે, પરંતુ વરસાદના કારણે ફુગ લાગી ગઇ છે. મારા ધ્યાનની બહાર રહી ગયું એટલે લાડુ વેચાઇ ગયા છે. દુકાન ચલાવવા માટે મારી પાસે કોઇ લાયસન્સ નથી.

ઉલ્લખનિય છે કે, આ પ્રકારના વેપારીઓ અખાદ્ય મીઠાઇઓ વેચીને શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું છે અને આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

Share :

Leave a Comments