મકરપુરામાં યુવતીએ યુવક પર જાહેરમાં ચપ્પુ વડે કરેલા હુમલાના કેસમાં સામસામે પોલીસ ફરિયાદ

તું જાણી જોઇને નિકુંજનો નંબર આપતો નથી કહી યુવતીએ યુવક પર હુમલો કર્યો હતો

MailVadodara.com - Face-to-face-police-complaint-in-Makarpura-case-of-girl-assaulting-youth-with-paddle-in-public

- યુવકે કહ્યુંઃ `વિદેશમાં રહેતા પ્રેમીનો નંબર ન આપતા મારા ગળામાં ચપ્પુ માર્યું'

- યુવતીએ કહ્યું: `તેને મને લાફા મારીને શેરડીથી ફટકારી, ગડદાપાટુનો માર માર્યો

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે યુવતીએ યુવક પર જાહેરમાં ચપ્પુ વડે કરેલા હુમલાના કેસમાં યુવક અને યુવતીએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તું નિકુંજ રાજપૂતનો નંબર જાણી જોઈને આપતો નથી, તેમ કહીને યુવતીએ ચપ્પુ મારા ગળામાં મારી દીધું હતું. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં પોલેન્ડમાં રહેતા મારા મિત્ર નિકુંજનો મોબાઇલ નંબર માગતા કરણે મને ગાળો આપીને તું મારી દુકાન પર કેમ આવી છે કહીને મને ગાલ પર બે-ત્રણ લાફા મારી દીધા હતા અને શેરડીના કોલાવાલા પાસેથી શેરડીનો સાઠો લાવીને મને માર્યો હતો અને ફરીથી મારી દુકાને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મારી સાથે ધક્કામુક્કી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.


વડોદરાના મકરપુરા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા કરણસિંહ નટવરસિંહ રાજપૂત (ઉં.વ.28)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં રેડીમેડ કપડાનો વ્યવસાય કરું છું. મકરપુરા ગામમાં આવેલી વલ્લભ કોલોનીમાં રહેતી મોનિકા કુંજન સુર્યવંશી અને મારા મિત્ર નિકુંજ રાજપૂત બંને એકબીજાને પ્રેમ કરતા હતા. તેઓ મોકો મળે ત્યારે તરસાલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના પ્રેમ સંબંધ વિષે મને જાણ હતી, તેમના લગ્ન થયા હતા કે, નહીં તેની મને ખબર નહોતી. ત્યારબાદ નિકુંજ રાજપૂત કોઈને જાણ કર્યાં વિના 7 મહિનાથી વિદેશ કામ ધંધાર્થે જતો રહ્યો હતો અને નિકુંજ મોનિકા સાથે વાતચીત કરતો નહોતો. મોનિકા અવારવનાર મારી પાસે નિકુંજ રાજપૂતનો નંબર માંગતી હતી, પરંતુ મારી પાસે તેનો કોન્ટેક્ટ નંબર ન હોવાથી મેં મોનિકાને નંબર આપી શક્યો નહોતો. જેથી મોનિકા મારા પુર ગુસ્સે થતી હતી અને કહેતી હતી કે, નિકુંજ તારો ભાઇબંધ છે અને તું જાણી જોઈને નંબર, સરનામું અને માહિતી આપતો નથી.


9 એપ્રિલના રોજ બપોરના સમયે આમ્રપાલી કોમ્પ્લેક્ષ સ્થિત મારી દુકાન પર હાજર હતો, તે સમયે મોનિકાએ બે વખત મને ફોન કર્યાં હતા, પરંતુ મેં તેના ફોન રિસીવ કર્યાં નહોતા. ત્યાં હાજર મારા કાકા ગણપતભાઇ ઠાકોરે મને કહ્યું હતું કે, મોનિકા બહાર ઉભી છે, જેથી હું તેને મળવા માટે બહાર ગયો હતો. તે સમયે મોનિકા મને ગુસ્સે થઈને બોલવા લાગી હતી કે, તું જાણી જોઇને મને નિકુંજ રાજપૂતનો નંબર આપતો નથી. તેમ કહીને તેને પોતાના ખભા પરની કીટ નીચે મૂકીને તેમાંથી એક ધારદાર ચપ્પુ કાઢ્યું હતું અને મારી પર હુમલો કરી દીધો હતો. મારી ગરદનના ભાગે જોરથી એક ઘા મારી દીધો હતો. ત્યારબાદ ફરીથી બીજો ઘા મારવાનો પ્રયાસ કરતા મારો ડાબો હાથ ઊંચો કર્યો હતો. જેથી મને કોણીના ભાગે ચપ્પુથી ઘા મારતા ઇજા થઈ હતી. મને ખૂબ જ લોહી નીકળતું હોવાથી મારો મિત્ર રાહુલ રાજપૂતે મને મકરપુરા હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં મારી ગરદનના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું નિદાન થયું હતું. આ મામલે મેં મોનિકા સુર્યવંશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


બીજી તરફ મકરપુરા ગામમાં રહેતી મોનિકા કુંદનભાઇ સુર્યવંશીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો મિત્ર નિકુંજ શનાભાઇ પરમાર દોઢ વર્ષથી પોલેન્ડમાં રહે છે. જેના થકી મારો કરણ રાજપૂત સાથે પરિચય થયો હતો. જેથી કરણ રાજપૂત નિકુંજ સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતો હતો. જેની મને જાણ થતાં 9 એપ્રિલે પોણા ચારની આસપાસ હું કરણની દુકાને ગઈ હતી. જેની પાસેથી મેં મારા મિત્ર નિકુંજનો મોબાઇલ નંબર અને પોલેન્ડમાં ક્યાં રહે છે, તેની માહીતી આપ. મારે તેની સાથે વાત કરવી છે, તેમ કહેતા કરણ મારી ઉપર ઉશ્કેરાઇ ગયો હતો અને જાહેરમાં મારી સાથે બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યો હતો.

મેં ગાળો બોલવાની ના પાડતા તેને મને ગમે તેવી ગાળો આપીને તું મારી દુકાન પર કેમ આવી છે કહીને મને ગાલ પર બે-ત્રણ લાફા મારી દીધા હતા અને શેરડીના કોલાવાલા પાસેથી શેરડીનો સાઠો લાવીને મને માર્યો હતો અને ફરીથી મારી દુકાને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને મારી સાથે ધક્કામુક્કી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી મેં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પીસીઆર વાન આવીને મને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ મામલે કરણ રાજપૂત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments