- મોબાઈલ ફોનનું લોકેશન વડોદરા રેલ્વે સ્ટેશન બાદ મુંબઈ દર્શાવ્યું
વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકની નજર હટતા જ અજાણ્યો ગઠિયો કાઉન્ટર ઉપરથી અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાંય ખાસ કરીને વાહન અને મોબાઈલ ચોરોએ માઝા મૂકી છે. તસ્કરો આવી ઘટનાઓને અંજામ આપવા અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકનો રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘોદાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુક્તાનંદથી વુડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરએ 24 જાન્યુઆરી બુધવારની રાત્રે પોતાનો અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો. તે સમયે એક અજાણ્યો શખ્સ તેમની મોકો મળતા જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે ઉભો રહી રેકી કર્યા બાદ કાઉન્ટર ઉપર આવી મોકો મળતા જ મોબાઈલની ઉઠાંતરી કરી નાસી છૂટતો જણાય આવે છે. ચોરી થયેલ મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલ્વે સ્ટેશન બાદ અંતિમ લોકેસન મુંબઈ શહેર ખાતેનું દર્શાવતું હતું. બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.