- વ્યાજ ચુકવવામાં ઢીલ થતાં વ્યાજખોર ધર્મેશ પાટણવાડીયાએ પ્રદીપ પટેલને ધમકી આપી હતી કે, મારી ઓળખાણ ઉપર સુધી છે, પૈસા નહીં આપે તો તારી લાશના ટુકડા કરી તળાવમાં ફેંકી દઇશું, તારા પરિવારજનો પણ તારી લાશને ઓળખી નહીં શકે
- પ્રદીપ પટેલની કાર અને તેમની પત્નીના દાગીના પણ વ્યાજખોરે પડાવી લીધા હતા
વડોદરા તાલુકાના ખાનપુરના જમીન લે-વેચનો વ્યવસાય કરનાર જમીન દલાલે ત્રણ વર્ષ અગાઉ વ્યાજખોર પાસેથી 10 ટકાના વ્યાજે 17 લાખ લીધા હતા. અને તેની સામે 75 લાખ ચૂકવી દીધા છતાં, પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર અને તેના મળતીયાઓ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોરે કર્જદારને નાણાં નહિં ચૂકવે તો જાનથી મારી નાંખી લાશના ટુકડા તળાવમાં ફેંકવાની ધમકી આપી હતી. પોલીસે વ્યાજખોર સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે ખાનપુર ગામમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા પ્રદીપકુમાર અશ્વિનભાઇ પટેલને નાણાંકિય જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓ મિત્રો પાસેથી ઉછીના નાણાં લેતા હતા. જેમાં મેહુલ ભરવાડ અને પપ્પુભાઇ શાહ પાસેથી નાણાં ઉછીના લઇ સમયમર્યાદામાં પરત કરતા હતા. ત્રણ વર્ષ અગાઉ ધંધામાં નુકસાન જવાથી તેમને તાત્કાલિક 1 લાખ રૂપિયાની જરૂરિયાત ઉભી થતા મેહુલ ભરવાડનો સંપર્ક કર્યો હતો. જો કે મેહુલ ભરવાડે આટલી મોટી રકમ પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગોત્રી પટેલ હોસ્પિટલની બાજુમાં રહેતા ધર્મેશ પાટણવાડીયાનો સંપર્ક કરાવ્યો હતો. ધર્મેશ પાટણવાડીયાએ 10 ટકાના વ્યાજે 1 લાખ આપવાની તૈયારી દર્શાવી પોતાના માણસ રાજુ મકવાણા સાથે આવી જણાવ્યું હતું કે, દર મહિને 10 હજાર લેવા માટે રાજુ મકવાણા આવશે.
પ્રદીપભાઇ પટેલને વધુ નાણાંની જરૂરિયાત ઉભી થતા તેમણે તબક્કાવાર ધર્મેશ પાટણવાડીયા પાસેથી 17 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. અને વ્યાજપેટે તેઓ નિયમિત 2.80 લાખ ચુક્વતા હતા. વ્યાજ ચુકવવામાં ઢીલ થતાં ધર્મેશ પાટણવાડીયાએ પ્રદીપ પટેલને રોકી તેમના ઉપર લાકડીઓથી હુમલો કર્યો હતો અને એવી ધમકી આપી હતી કે, મારી ઓળખાણ ઉપર સુધી છે. જો પૈસા નહીં આપે તો તારી લાશના ટુકડા કરી ગોત્રી તળાવમાં ફેંકી દઇશું. તારા પરિવારજનો પણ તારી લાશને ઓળખી નહીં શકે. તેમ જણાવી તેમની કાર અને પત્નીના દાગીના પણ ધર્મેશ પાટણવાડીયા અને રાજુ મકવાણાએ પડાવી લીધા હતા.
જો કે વ્યાજખોર ધર્મેશ પાટણવાડીયાના ત્રાસથી કંટાળી પ્રદીપ પટેલે બનાવ સંદર્ભે વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધર્મેશનો મોટોભાઇ કલ્પેશ કંચનભાઈ મકવાણા, કલ્પેશની પત્ની અલ્પાબેન તેમજ અન્ય ચાર જણા પ્રદીપભાઇના નિવાસસ્થાને આવી એવી ધમકી આપી હતી કે તું અરજી પાછી નહીં ખેંચે તો અમે ચારે જણ તારા ઘરના આંગણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લઇશું અને તને આખી જિંદગી જેલમાં મોકલી આપીશું. આખરે આ મામલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રદીપ પટેલે વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 17 લાખ સામે ત્રણ વર્ષમાં 75 લાખ ચૂકવી દીધા છતાં હજુ પણ ધર્મેશ પાટણવાડીયા 60 લાખ બાકી નીકળતા હોવાનું જણાવી પઠાણી ઉઘરાણી કરે છે. વડોદરા તાલુકા પોલીસે બનાવ સંદર્ભે ગોત્રી હોસ્પિટલની બાજુમાં રહેતા ધર્મેશ કંચનભાઇ પાટણવાડીયા, રૂપલ ધર્મેશભાઇ કંચનભાઇ ઠાકોર, કલ્પેશ કંચનભાઇ મકવાણા અને અલ્પાબેન કલ્પેશભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી ચારેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.