- મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનમાંથી પસંદગી પામેલ ઉમેદવારોએ રજૂઆત કરી
- રજૂઆત કરવા આવેલા દિનેશ ચુડાસમાએ કહ્યું, સરકારી નોકરીની આશાએ ઉમેદવારો પોતાની ખાનગી નોકરી અને ધંધા-રોજગાર છોડી બે મહિનાથી બેરોજગાર બેઠા છે!
વડોદરા ખાતે આવેલા GETCO દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ મેરિટ લીસ્ટ બહાર પાડી ઉમેદવારોને મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ નિમણૂક પત્રો ન આપતા આખરે GETCO કચેરી ખાતે રાજ્યના મહેસાણા, ભરૂચ અને રાજકોટ ઝોનના કુલ 1224 જેટલા ઉમેદવારો દ્વારા નિમણૂક પત્રોને લઇ વિરોધ દર્શાવી જલદી આ પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાની GETCO દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા માટે સૌપ્રથમ માર્ચ-2023માં પોલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાંચ મહિનાના સમયગાળા બાદ 09-09-2023માં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ત્યાર બાદ તા.27/09/23ના રોજ ફાઈનલ એલોટમેન્ટ લીસ્ટની યાદી ઝોનલ વાઇઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ઝોન 691 ઉમેદવારો, ભરૂચ ઝોન 381 ઉમેદવારો, મહેસાણા ઝોન 152 ઉમેદવારો આમ કુલ મળીને 1224 ઉમેદવારોને 17-10-2023ના રોજ વિવિધ વર્તુળ કચેરીએ મેડીકલ અને ડોક્યુમેન્ટસ વેરીફીકેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
જાેકે ત્યારબાદ મેનેજમેન્ટ દ્વારા મૌખિક જાણ કરવામાં આવી હતી કે, દિવાળી પહેલા નિમણૂક પત્ર આપવામાં આવશે. જેના કારણે ઉમેદવારો પોત-પોતાની ખાનગી નોકરી અને ધંધા-રોજગાર છોડીને નિમણૂક પત્રોની રાહ જોઈને અંદાજે છેલ્લાં બે મહિનાથી બેરોજગાર બેઠેલા છે. આ બાબતને લઇ આજે રાજ્યના સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ, ભાવનગર, પાલનપુર, મહેસાણા, સાબરમતી, હિંમતનગર ઝોનના ઉમેદવારો યોગ્ય સમયમાં નિમણૂક પત્રો આપવામાં આવે તેવી રજૂઆત અને માગ સાથે મુખ્ય કચેરી ખાતે પહોંચી પોતાની રજૂઆત કરી હતી.
આ અંગે રજૂઆત કરવા આવેલા દિનેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી તેના નિમણુંક પત્રોને લઇ અમે બધા ભેગા થયા છીએ. પરીક્ષા લીધા બાદ મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 1224 ઉમેદવારો સિલેકટ થયા હતા. બાદમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ માટે અમને બોલાવવામાં આવ્યા હતા. બાદમાં અમને જાણવા મળ્યું હતું કે ટૂંક સમયમાં અમને જોબ મળી જશે. બાદમાં અમે બધા જ પ્રાઇવેટમાં જોબ કરતા હતા. તમામે જોબ છોડીને ઘરે આશા રાખી બેસી રહ્યા હતા. પરંતુ આજે બે મહિના થયા છતાં જોબ મળી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ અમે ઝોન પ્રમાણે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેથી આજે મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનમાંથી તમામ પસંદગી પામેલ ઉમેદવારો અહીં રજૂઆત માટે આવ્યા છીએ અને અમને જલદી નિમણૂક પત્ર આપવામાં આવે તેવી અમારી વિનંતી છે. અમે શારીરિક અને માનસિક થાકી ગયા છીએ, લોકો અમને વારંવાર પૂછે છે અને કહે છે કે શું કામ ઘરે બેસી રહ્યા છો. ક્યારે ઓડર આવશે તેવું સાંભળી અમે થાકી ગયા છીએ.