સગાઇ તૂટી ગયા બાદ પણ હેરાન કરી રહેલા યુવાનથી ત્રસ્ત યુવતીએ અભયમની મદદથી સબક શિખવાડ્યો

યુવતીની બીજે સગાઇ થતાં યુવકે લગ્ન કરીશ તો ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી

MailVadodara.com - Even-after-the-break-up-of-the-engagement-the-young-woman-troubled-by-the-harassing-young-man-learns-a-lesson-with-the-help-of-Abhayam

- અભયમની ટીમે કાર્યવાહીની ચિમકી આપતા ગભરાયેલા યુવાને ઘૂંટણીએ પડી માફી માગી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રહેતી યુવતીની સગાઇ તૂટી ગયા બાદ પણ યુવાન હેરાન કરતો હતો. યુવાનની હેરાનગતિથી ત્રસ્ત થઇ ગયેલી યુવતીએ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે યુવાનને કાનૂની કાર્યવાહીની ચિમકી આપતા ગભરાયેલ યુવાન ઘૂંટણીએ પડી માફી માગી હતી.

અભયમ ટીમના જણાવ્યા પ્રમાણે, સાવલી તાલુકામાં રહેતી યુવતીને તેના મામા-મામીએ મોટી કરી છે. ધોરણ-8 સુધી અભ્યાસ કરેલી યુવતીના માસીએ બે વર્ષ પહેલાં રાહુલ (નામ બદલ્યું છે) નામના યુવાન સાથે લગ્ન નક્કી કર્યા બાદ સગાઈ પણ કરી હતી, પરંતુ કોઇક કારણોસર સગાઈ તૂટી ગઇ હતી. સગાઇ તૂટી ગયા બાદ રાહુલ યુવતીને વોટ્સએપ વારંવાર મેસેજ કરીને હેરાન કરી રહ્યો હતો. એતો ઠીક સગાઇ દરમિયાન પાડેલા ફોટો પણ તે યુવતીના કુટુંબના ગ્રુપમાં વાઇરલ કરી રહ્યો હતો. હાલ યુવતીના લગ્ન બીજે નક્કી થતાં સગાઈ પણ કરેલી છે. રાહુલ આ બધુ જાણવા છતાં યુવતીને ધાક-ધમકી આપતો હતો કે, તું ત્યાં લગ્ન કરીશ તો આ બધા ફોટા વાઇરલ કરી દઈશ.

ફોટો વાઇરલ કરવાની ધમકી આપતા ગભરાઇ ગયેલી યુવતીએ અભયમની મદદ લીધી હતી. તુરંત જ અભયમ ટીમ યુવતીને મળી વિગતો મેળવી હતી. તે બાદ હેરાન કરી રહેલા રાહુલને મળી તેને કાયદાકીય રીતે સમજાવેલ તેમજ તે યુવકના મોબાઈલમાંથી પીડિત યુવતીનો નંબર બ્લોક કરાવ્યો હતો. તેમજ તેના ફોનમાંથી ફોટા પણ ડિલીટ કરાવીને સગા-સંબંધીઓના નંબરોને પણ બ્લોક કરાવ્યા હતા. તેમજ ગામના સરપંચને બોલાવીને કાયદાકીય સમજણ આપી હતી.

અભયમે રાહુલને જણાવ્યું કે, તું જે કરી રહ્યો છે તે સાયબર ગુનો કહેવાય. તો તને સજા મળવા પાત્ર થશે. હજુ તો તું અભ્યાસ કરે છે તો તારી જિંદગી પણ બગડશે, તારુ ભવિષ્ય બગડશે. આખરે આ યુવકે તેની ભૂલ સ્વીકારી લખાણ આપ્યું, કે હવે પછી મારા તરફથી કોઈ મેસેજ, કોઈ કોલ નહીં આવે. જેની હું પૂરેપૂરી ખાતરી આપું છું.

Share :

Leave a Comments