- ન્યુ સમા રોડ પર આવેલી સોસાયટીઓના રહીશોએ સમા પેટા વિભાગીય કચેરી ખાતે ધમધોખતા તાપમાં જમીન પર બેસી રામધૂન કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા
- અલકાપુરીમાં ગ્રાહકોએ સુત્રોચ્ચાર કરી સ્માર્ટ મિટરનો વિરોધ કર્યો
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર શહેરમાં થઇ રહ્યો છે. આજે શહેરના સમા વિસ્તાર વોર્ડ નંબર 2માં સમાવિષ્ટ સોસાયટીના રહીશો અને અલકાપુરી વિસ્તારના વીજ ગ્રાહકોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરીઓ ખાતે મોરચો માડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માગ કરી હતી. સમા કચેરી બહાર રામધૂન કરી હતી અને અલકાપુરીમાં ગ્રાહકોએ સુત્રોચ્ચાર કરી સ્માર્ટ મિટરનો વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં વડોદરામાં 27,440 જુદા-જુદા 12 સબ ડિવિઝનમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. તેમાંથી 15 હજાર હાલ એક્ટિવ છે. એમજીવીસીએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
હાલ વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર શહેર વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસના વિરોધ બાદ આજે સતત ચોથા દિવસે પણ શહેરના સમા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2માં સમાવિષ્ટ ન્યુ સમા રોડ ઉપર આવેલી સરસ્વતી સોસાયટી, આકાશગંગા, સુંદરવન, દાદા પાર્ક, જવાહર પાર્ક, જાદવ પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો. આકરા તાપ વચ્ચે લોકોએ જમીન પર બેસી રામધૂન કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
તેજ રીતે અલકાપુરી વિસ્તારની વિવિધ સોસાયટીના વીજ ગ્રાહકો અલકાપુરી વીજ કચેરીમાં પહોંચી ગયા હતા અને જુના મિટર પરત કરો તેવા ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. રજૂઆત કરવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું કે, જુના વીજ મીટરમાં બે મહિનાનું બિલ 3600 રૂપિયા આવતું હતું. હાલ દસ દિવસમાં જ 2000 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ ગયું છે. દર બે ત્રણ દિવસમાં 1000-1500 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે જે અમને પરવડે તેમ નથી. રોષે ભરાયેલા લોકોએ જીઇબી કચેરીની બહાર આંકરા તાપમા જમીન પર બેસી રામધુન બોલાવી હતી, તેમજ ઉગ્ર સૂત્રોચારો કર્યા હતા અને નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જુના મીટર લગાવી આપવા માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં સ્માર્ટ મીટરના થઇ રહેલા વિરોધ વચ્ચે MGVCLના MD તેજસ પરમારે ગુરુવારે જણાવ્યું હતું કે, આ સ્માર્ટ મીટર સામાન્ય મીટર જેવા જ છે. એ જ પ્રકારે એમાં ગણતરી થાય છે. ફરક એટલો છે કે આ મીટર અત્યાર સુધી જે મીટર હતા તેમાં કોમ્યુનિકેશન થતું ન હતું. એટલે કોઈ પણ રીડિંગ લેવું હોય તો કર્મચારી ત્યાં જાય રીડિંગ લે અને પછી બે મહિનાના અંતરે આપણે એમને બિલ આપતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મીટરમાં એવી સુવિધા છે કે આપણને દર અડઘો કલાકના રીડિંગ આપણી એપ મારફતે જોઈ શકીએ છીએ, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની જોર જબરજસ્તી કરવામાં આવતી નથી. કોઈપણ પ્રકારની પેનલ્ટી ગાઈડ લાઈનમાં પ્રોવિઝનલ નથી અને કરવાના પણ નથી. તબક્કાવાર રેસીડેન્સીયલ ગ્રાહકોને અમારે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાના છે. લગભગ 33 લાખ મીટર આગામી બે વર્ષમાં મધ્ય ગુજરાતમાં લગાવવાના છે.