- દાવેદારી માટે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે
- સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સભ્યો દાવેદારી ફોર્મ ભરી શકશે નહિ
ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ પ્રમુખો અને બુથ પ્રમુખો માટે 40 વર્ષ અને શહેર - જિલ્લા પ્રમુખની 60 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા નક્કી કરવામાં આવતા વર્ષોથી ભાજપા માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓની બાદબાકી થઈ ગઈ છે.
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા વોર્ડ પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંગે ચૂંટણી અધિકારી તરીકે કુશલસિંહ પઢેરીયાની નિમણૂક કરવામાં આવી છે. અને તેઓએ ચૂંટણી અંગેના નિયમો અને ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરતા જ ચૂંટણી જાહેરાતના મેસેજ ભાજપના ગ્રુપોમાં ફરતા થયા હતા.
ભારતીય જનતા પાર્ટી, સંગઠન પર્વ 2024 અંતર્ગત વડોદરા મહાનગરના નવા મંડળ પ્રમુખોની રચના કરવાની પ્રક્રિયા માટે જેતે મંડળમાં રહેતા ઈચ્છુક કાર્યકર્તાઓએ પ્રમુખ પદની દાવેદારી માટે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે. પ્રમુખ માટેની દાવેદારી માટેની શરતોમાં 40 વર્ષની ઉંમર સુધીના કાર્યકર્તાઓ ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ખાસ કિસ્સામા વધુમા વધુ 45 વર્ષની ઉમર સુધીની છૂટછાટ જિલ્લા ચૂંટણી અધિકારીની સત્તા રહેશે.
ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ જન્મ પ્રમાણ પત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિ અને પાસપોર્ટ પૈકી કોઇપણ 2 પુરાવા સાથે જોડવાના રહશે. આ ઉપરાંત ઉમેદવાર વર્તમાન સક્રિય સભ્ય હોવા જોઈએ તેમજ અગાઉ પણ ઓછામાં ઓછા એક વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઇએ. બન્ને વખતના સક્રિય સભ્યોનું કાર્ડ સાથે જોડવાનું રહેશે. તે જિલ્લા તથા મંડળમાં મોરચા કે સેલ અને પ્રકલ્પની જવાબદારી નીભાવેલ હોવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સભ્યો દાવેદારી ફોર્મ ભરી શકશે નહિ. ઉમેદવાર ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદના પરિવારના સભ્ય ન હોવા જોઈએ. ફોર્મ મેળવવાની તેમજ ભરેલા ફોર્મ રજૂ કરવાની તારીખ 7 અને 8 ડિસેમ્બર બપોરે 2થી સાંજના 6 કલાક સુધીનો રહેશે. ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મનુભાઇ ટાવર, સયાજીગંજ ખાતે જમા કરાવવાનું રહેશે.