- વૃદ્ધાના મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
વડોદર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર વૃદ્ધાનું અકસ્માત થતા મોત નીપજ્યું છે. ચાલુ ટ્રેને વૃદ્ધા ચડવા જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઇ રેલવે પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને વૃદ્ધાના મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર સયાજીનગરી એક્સપ્રેસ 7.45 કલાકે આવી પહોંચી હતી. તે દરમિયાન વૃદ્ધા ચાલુ ટ્રેને ચડવા જતા પગ લપસ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. ટ્રેન નીચે આવતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ આસપાસ લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા. આ વૃદ્ધા શહેરના વાઘોડિયા વિસ્તરમાં આવેલ શ્રીનાથજી ગ્રીન સિટીમાં રહેતા હતા અને તેઓનું નામ કમળાબેન જેશીંગભાઈ સોલંકી (ઉંમર વર્ષ 70) હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધા સ્વજનો સાથે સુરત તરફ જવા રવાના થતા હતા, તે પૂર્વે લાપરવાહીના કારણે આ ઘટના બની છે.
આ બનાવની જાણ રેલવે પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રેન નીચેથી વૃદ્ધાનો મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અંગે રેલવે પી. આઈ.એ જણાવ્યું હતું કે, આ બનાવને લઇ વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.