- પર્સમાં બે મંગળસૂત્ર, બંગડી, બ્રેસલેટ, વીંટી, લક્ષ્મી હાર, બે ચેન, નથણી, ચમચી મળી કુલ ૨૩ તોલા સોનું તેમજ મોબાઇલ મળી રૂપિયા ૯.૧૨ લાખની મત્તા ચોરાઇ
અમદાવાદથી ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પ્રવાસ કરતાં વૃધ્ધ દંપતી પૈકી મહિલાના પર્સની ઉઠાંતરી થઇ હતી. પર્સમાં ૨૩ તોલા સોનાના દાગીના, મોબાઇલ મળી કુલ રૂપિયા ૯.૧૨ લાખની મત્તા હતી.
આ અંગેની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના થાને જિલ્લામાં નાલાસોપારા ખાતે તાનિયા ક્લાસિક કોમ્પ્લેક્સમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા લાડુભાઇ રઘુનાથ ચૌહાણના ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ પત્ની લલીતાબેન સાથે વસઇ રોડ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ ગયા હતાં. લગ્નનો પ્રસંગ પૂર્ણ થયા બાદ પોતાના ઘેર જવા માટે તેઓ તીરુચીરાપ્પલ્લી સ્પેશિયલ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પ્રવાસ કરતા હતાં.
આણંદ રેલવે સ્ટેશન બાદ લલીતાબેન ઊંઘી ગયા હતા અને ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક યાર્ડમાં આવીને ઊભી રહી તે વખતે તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે માથા નીચે મૂકેલું બ્રાઉન કલરનું પર્સ ગાયબ હતું. આ અંગે લલીતાબેને પતિ લાડુભાઇને જાણ કરતાં તેમણે કોચમાં તપાસ કરવા છતાં પર્સ મળ્યું ન હતું. આ પર્સમાં બે મંગળસૂત્ર, બંગડી, બ્રેસલેટ, વીંટી, લક્ષ્મી હાર, બે ચેન, નથણી, ચમચી મળી કુલ ૨૩ તોલા સોનું તેમજ મોબાઇલ મળી રૂપિયા ૯.૧૨ લાખ કિંમતની ચોરી થઇ હતી. રેલવે યાર્ડમાં ટ્રેન ઊભી રહી ત્યારે કોઇ શખ્સે શિફ્તપૂર્વક પર્સની ચોરી કરી હોવાની આશંકા સાથે રેલવે પોલીસમાં ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.