શહેરના મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદગાહ મેદાન ખાતે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

એક માસથી મુસ્લિમ બિરાદારો દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખ્યા હતા

MailVadodara.com - Eid-ul-Fitr-was-celebrated-with-enthusiasm-by-the-Muslim-fraternity-of-the-city-at-the-Eidgah-Maidan

- લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર, શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ વિપક્ષી નેતા અને ચૂંટણી સંયોજક સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી ઈદ મુબારકબાદી પાઠવી


છેલ્લા એક માસથી આકરા રોજા રાખ્યા બાદ શહેરના મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરા મુજબ સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ મુબારકબાદી પાઠવી હતી.

છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદારો દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા. રમજાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોજા રાખીને ઈબાદત કરી હતી. છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમજાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી.


મુસ્લિમ બિરાદારો રમજાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રમજાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાતે ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી. આજે રમઝાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ ઈદગાહ મેદાન ખાતે સામુહિક નમાજ અદા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ સ્થપાઈ રહે તેવી દુઆ કરી હતી.


આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પૂર્વ વિપક્ષી નેતા અને ચૂંટણી સંયોજક ચંદ્રકાંત શ્રી વાસ્તવ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદારો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી અને દેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ રહે તેવી દુઆ કરવામાં આવી હતી. તે બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

શહેરના કેટલાક વિસ્તારોમાં સામૂહિક ઈદ મુબારકબાદી શુભેચ્છા પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુસ્લિમ વિસ્તારમાં ડીજે સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. તો કેટલાક વિસ્તારોમાં ઈદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અપાર ઉત્સાહ સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

Share :

Leave a Comments