વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. આ સ્વિમિંગ પૂલ ઉનાળા પૂર્વે ચાલુ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આજરોજ ડેપ્યુટી મેયર અને વિભાગના અધિકારીઓએ સ્વિમિંગ પૂલની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કામગીરી ક્યાં અટકી છે અને હવે શું થઈ શકે તેમ છે તે અંગે જાણકારી મેળવી મીટીંગ કરવામાં આવશે, અને જેમ બને તેમ જલ્દી સ્વિમિંગ પૂલનો લાભ લોકોને મળી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે એમ ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વીમિંગ પૂલ કોરોના કાળ દરમિયાન બે વર્ષ બંધ હતો, ત્યારે કોર્પોરેશનના તંત્રે જરૂરી મેન્ટેનન્સ કરી લીધું હોત તો સ્વીમિંગપુલના આજીવન સભ્યો તેમજ બીજા લોકો પણ તેનો લાભ લઈ શક્યા હોત. સ્વિમિંગ પૂલ હોજમાં નીચેથી પાણી આવે છે, માટે નવી ટાઇલ્સ ફીટ કરતા અગાઉ આરસીસી કામગીરી કરવી જરૂરી જણાઈ રહી છે. આ ઉપરાંત ફિલ્ટરેશન, ફિલ્ટર પ્લાન્ટ માટે શેડ બનાવવાનો, ટોયલેટ બ્લોક વગેરે પ્રકારની કામગીરી માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ખર્ચના મૂળ અંદાજ 47.96 લાખ સામે 67.53 ટકા વધુ ભાવનું રૂપિયા 80.34 લાખનું ટેન્ડર આવ્યું હતું. આ ટેન્ડર પણ છઠ્ઠા પ્રયાસે એક જ મળ્યું હતું. જે રીતે કામગીરીના ખર્ચનો અંદાજ તૈયાર કર્યો છે તે જોતા રીપેરીંગ માટે હજી વધુ સમય જોઈશે તેવું લાગી રહ્યું છે.
સ્વિમિંગ પૂલની ફિલ્ટર સિસ્ટમ ઘણી જૂની છે. રીપેર થઈ શકે તેમ નથી અને તે બદલી નાખવા માટે અભિપ્રાય અપાયો હતો. હાલ તેના પંપિંગ રૂમમાંથી પણ કેટલાક પંપ વગેરે કાઢીને બહાર લઈ જવાયા છે. સ્વિમિંગ પૂલના આજીવન સભ્યો કહે છે કે અમે ચાર વર્ષથી આ સ્વિમિંગ પૂલ ચાલુ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.