- એમ.એસ. યુનિવર્સિટીના 265 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 365 જેટલી પ્રજાતિના 20 હજાર જેટલા વૃક્ષો છે, તેમજ પ્લાન્ટસની બીજી 800 જેટલી પ્રજાતિઓ પણ છે
શહેરના કમાટીબાગ અને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસને દિવસને દિવસે પ્રદુષિત થઈ રહેલા વડોદરા શહેરના બે હરિયાળા ફેફસા ગણવામાં આવે છે. એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં તો વૃક્ષોની કમાટીબાગ કરતા પણ વધારે પ્રજાતિઓ છે. યુનિવર્સિટીના બોટની વિભાગે હવે આ તમામ પ્રજાતિઓની જાણકારી સામાન્ય લોકોને અને જેઓ બોટની સિવાય અન્ય વિભાગોમાં અભ્યાસ કરે છે તેમને પણ મળી શકે તે માટે વૃક્ષો પર ક્યુઆર કોડ લગાવવાનો પ્રોજેકટ શરૂ કર્યો છે.
એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષોની 365 જેટલી પ્રજાતિઓ છે. 265 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 20 હજાર જેટલા કુલ વૃક્ષો છે. આ સિવાય પ્લાન્ટસની બીજી 800 જેટલી પ્રજાતિઓ છે. ગુજરાતમાં વૃક્ષોની જેટલી પણ પ્રજાતિઓ છે તે પૈકીની મોટાભાગની એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળે છે.
કેમ્પસમાં આવેલા બોટનિકલ ગાર્ડન, સાયન્સ ફેકલ્ટીની સામે આવેલા ગાર્ડન અને હોસ્ટેલ કેમ્પસમાં આવેલા બોટનિકલ ગાર્ડનમાં વૃક્ષોને ક્યુઆર કોડ લગાવવામાં આવશે. ક્યુ આર કોડને મોબાઈલ થકી સ્કેન કરતાની સાથે જ વૃક્ષનું નામ, તેનું બોટનિકલ નામ, તેનું વતન, તેની વિશેષતાઓ અને તેની ઉપયોગીતા શું છે... વગેરે જાણકારી મોબાઈલ પર આવી જશે.
બોટની વિભાગના ગાર્ડન સુપરવાઈઝર સ્નેહલબેન ચાવડા તેમજ બોટની વિભાગના વિદ્યાર્થીઓની મદદથી ક્યુ આર કોડ લગાવવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. બોટની વિભાગના સિનિયર અધ્યાપક ડો.પી.એસ.નાગર કહે છે કે, અમારા માટે દરેક વૃક્ષ પર તો ક્યુ આર કોડ લગાવવું શક્ય નથી પણ દરેક પ્રજાતિના ઓછામાં ઓછા એક વૃક્ષને ક્યુ આર કોડ લગાવવાનો ટાર્ગેટ છે. એ પછી જો યુનિવર્સિટી સત્તાધીશો ફંડ મજૂર કરશે તો કેમ્પસના બીજા હિસ્સાઓના વૃક્ષોને પણ ક્યુઆર કોડ લગાવવામાં આવશે. હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ક્યુઆર કોડ લગાવવા માટે ખીલીની જગ્યાએ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 90 જેટલા વૃક્ષો પર ક્યુઆર કોડ લગાવાઈ ચુકયા છે. ગુજરાતમાં કદાચ પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટીમાં આટલા મોટા પાયે વૃક્ષો પર ક્યુઆર કોડ લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં વિલુપ્ત થઇ રહી હોય તેવી પ્રજાતિના વૃક્ષો ઉગાડવાનું અભિયાન શરૂ કરાયું છે. પ્રો.નાગર કહે છે કે, ગુજરાતમાં સફેદ ફૂલ આવતા હોય તેવા સિમળાના વૃક્ષોની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી રહી છે. આ જ રીતે જંગલી બદામ તરીકે ઓળખાતા માત્ર બે જ વૃક્ષો રહ્યા હોવાનુ અમારા ધ્યાનમાં આવ્યુ છે. આ બંને પ્રજાતિના વૃક્ષોને અમે કેમ્પસમાં ઉછેર્યા છે. જંગલી આસોપાલવની પ્રજાતિને અમે મહારાષ્ટ્રથી લાવીને કેમ્પસમાં ઉગાડી છે. આવા 15 વૃક્ષો ઉગીને મોટા થઈ રહ્યા છે. અશોક વૃક્ષની સંખ્યા પણ ગુજરાતના જંગલોમાં ઓછી થઈ રહી છે. આ વાત અમારા ધ્યાનમાં આવ્યા બાદ અમે કેમ્પસમાં અશોક વૃક્ષ ઉછેરવાનું શરૂ કર્યુ હતુ. કેમ્પસમાં હવે 250 જેટલા અશોક વૃક્ષ ઉગી ચુકયા છે.