- વાહન ચેકિંગ દરમિયાન દારૂનો નશો કરીને વાહન ચલાવતા ચાર શખ્સ જ્યારે દારૂ પીધેલા પાંચ શખ્સ પોલીસના હાથે પકડાઈ ગયા
વડોદરામાં નવ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળતા જ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તીઓને રોકવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ગત રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના લીધે લોકોમાં ઉત્તેજના પણ ફેલાઈ હતી. વાહન ચેકિંગ દરમિયાન રાવપુરા પોલીસે ટુ-વ્હીલર પર પસાર થતા શંકાસ્પદ ઇસમોને રોકીને ડેકી ચેક કરતા તેમાંથી રૂપિયા 4.68 લાખ રોકડ મળી આવ્યા હતા. આ રૂપિયા ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતો થાય છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ગઈકાલે રાત્રે પોલીસ કમિશનરની સૂચના હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા અચાનક જ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન રાવપુરા પોલીસે ન્યાય મંદિર-લહેરીપુરા દરવાજા પાસે પોલીસની ટિમ વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એક ટુ વ્હીલર પર બે ઇસમો સવાર થઇ પદમાવતી શોપીંગ સેન્ટરથી લહેરીપુરા દરવાજા તરફ આવતા હતા. બંનેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમને રોકવામાં આવ્યા હતા. અને ટુ વ્હીલરની ડિકી તપાસતા મોપેડની ડિકીમાંથી સફેદ રૂમાલમાં કંઇક વિટાળીને મૂક્યું હોવાનું નજરે ચડ્યું હતું.
પોલીસે રૂમાલમાં ચકાસણી કરતા તેમાંથી રૂ. 4.68 લાખ રોકડા મળી આવ્યા હતા. જે અંગે તે યોગ્ય ખુલાસો કરી નહીં શકતા પોલીસે બંને શકમંદોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. પકડાયેલા શખ્શોમાં એક મોહમ્મદ સિદ્દીક મોહમ્મદ સલીમ ગોલાવાલા (રહે. બાવામનપુરા) તથા મહંમદ માહીર મુનાફભાઈ વોરા (રહે. રામ પાર્ક, આજવા રોડ)નો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ. 5.18 લાખનો મુદામાલ કબ્જે કરી આ રૂપિયા ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઇ જવામાં આવતા હતા સહિતના સવાલોને જવાબ મેળવવા કામગીરી હાથ ધરી છે.
બીજી તરફ પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ-અલગ ત્રણ પોઇન્ટ પર બે પીઆઇ, બે પીએસઆઇ, 48 પોલીસ જવાનો તથા હોમગાર્ડના 35 જવાનું સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચાલકોને રોકી બ્રેથ એનેલાઇઝર દ્વારા તેઓએ નશો કર્યો છે કે કેમ તેને તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન દારૂનો નશો કરીને વાહન ચલાવતા ચાર શખ્સ ઝડપાયા હતા જ્યારે દારૂ પીધેલા પાંચ પોલીસના હાથે પકડાઈ ગયા હતા.