- ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામસિંગ બાવરીને ભિમનાથ બ્રીજ પાસેથી ઝડપી વધુ તપાસ માટે મકરપુરા પોલીસને સોંપ્યો
શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાં ચોરી કરવા જતા મકાન માલિક જોઇ જતા તેમના પર પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ચોર ભાગી ગયા હતા. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ભીમનાથ બ્રીજ પાસેથી ઝડપી પાડ્યો હતો. આગળની કાર્યવાહી માટે આરોપીને મકરપુરા પોલીસને સોપ્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગણેશ વિસર્જનને લઈને 12 સપ્ટેમ્બર ના રોજ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન મળેલી બાતમી આધારે ભિમનાથ બ્રીજ ખાતેથી પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામસિંગ બાવરી (ઉ.વ.23 રહે. શંકરનગર ઝુપડપટ્ટી સયાજીગંજ વડોદરા, મુળ રહે. નિઝામપુરા તથા દંતેશ્વર સંતોષવાડી વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આ ઇસમની પુછપરછ કરતા આ શખ્સ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મિલ્કત સંબધી ગુનામાં સંડોવાયેલ હોવાનુ છે અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સામે મકરપુરા ગત 2 માર્ચ 2024 ના રોજ સવારે સવા પાંચ વાગે મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ આકૃતિ ડુપ્લેક્ષ ખાતે બે અજાણ્યા ઇસમો ચોરી કરવાના ઇરાદે ઘરના કંપાઉન્ડમાં ઘૂસ્યા હતા. દરમિયાન મકાન માલિક ચોરોને જોઈ જતાં તેઓ ભાગવા લાગ્યા હતા અને તેમાથી એક ચોર ઇસમે છુટ્ટા પથ્થર મારતા મકાન માલિકને ઇજા કરી બંને ઇસમો ગાડીમાં બેસીને નાસી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમો અગાઉં વડોદરા શહેર ઉપરાંત વડોદરા ગ્રામ્ય તેમજ રાજકોટ જીલ્લામાં ઘરફોડ ચોરીના નવ ગુનાઓમાં પકડાયો છે.