વડોદરાના દુમાડ ગ્રામ પંચાયત દ્વારા ગામના 1380 જેટલા કુટુબ પાસેથી લીલો અને સૂકો કચરો એકત્રિત કરી ખાતર બનાવાય છે

દુમાડ ગ્રામ પંચાયત દ્વારા સૂકા કચરામાંથી પ્લાસ્ટિકના કચરાને સાત કેટેગરીમાં વિભાજિત કરાય છે

MailVadodara.com - Dumad-Gram-Panchayat-of-Vadodara-collects-green-and-dry-waste-from-around-1380-families-of-the-village-and-composts-it

- કમ્પોસ્ટ પીટમાં તૈયાર થયેલા ઓર્ગેનિક ઘન અને પ્રવાહી ખાતરને ગામના ખેડૂતોને અપાય છે, કચરામાંથી છુટા પાડેલા પ્લાસ્ટિકમાંથી બાંકડા અને ઈંટ બનાવાય છે


વડોદરા તાલુકાની દુમાડ ગ્રામ પંચાયત દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે, જે ગુજરાત રાજ્યના અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક છે. દુમાડ ગામમાં સીએસઆર તથા કચરે સે આઝાદી ફાઉન્ડેશન દ્વારા 1 એપ્રિલ, 2019થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એપ્રિલ-2021થી આ કાર્ય ગ્રામ પંચાયત દ્વારા ઉપાડી લેવામાં આવ્યું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલી જગ્યામાં ઘન કચરા વ્યવસ્થાપનનું આ કાર્ય સુચારુ રીતે કરવામાં આવી રહ્યું છે, તેમજ કામદારોને આ માટેનું મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે.

ઘન કચરા વ્યવસ્થાપનના આ કાર્ય અને સ્વચ્છતા બાબતે લોકોનો સહકાર મળી રહે તે હેતુસર જાગૃતિના કાર્યો કરવામાં આવ્યા અને લોકોને સૂકા અને ભીના કચરાને કઈ રીતે અલગ રાખવો તેની સમજ પૂરી પાડવામાં આવી, તેથી ગ્રામજનોમાં જાગૃતિ આવી છે. ગામના દરેક ઘર પાસેથી ઘરેલું સ્તરે લીલા અને સૂકા કચરાનું વિભાજન કરવામાં આવે છે અને ગામના 1380થી વધુ કુટુંબો પાસેથી લીલો અને સૂકો કચરો એકત્રિત કરવામાં આવે છે. 


ગ્રામ પંચાયત દ્વારા એકત્ર કરાયેલ કચરામાંથી લીલા અને સૂકા કચરાનું પરિવહન પણ અલગ અલગ કરવામાં આવે છે. આ કચરાને વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ પર લાવવામાં આવે છે કે જ્યાં લીલા કચરાને રૉકેટ કમ્પોસ્ટરમાં નાખી તેમાં બૅક્ટેરિયલ કલ્ચર ઉમેરી 30 દિવસ રાખી કમ્પોસ્ટ પીટમાં ભરવામાં આવે છે. ત્યારબાદ કમ્પોસ્ટ થઇને પ્રવાહી અને સૂકા ખાતરનું નિર્માણ થાય છે. કમ્પોસ્ટ પીટમાં તૈયાર થયેલ આ ઓર્ગેનિક ઘન અને પ્રવાહી ખાતરને ગામના ખેડૂતોને વહેંચવામાં આવે છે.

ગ્રામ પંચાયત દ્વારા સૂકા કચરામાંથી પ્લાસ્ટિકના કચરાને સાત કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને બેલીંગ મશીનમાં નાખી તેનું વોલ્યુમ ઓછું કરીને તેને આણંદ અને અમદાવાદ ખાતે આવેલ કંપનીમાં મોકલવામાં આવે છે કે જ્યાં આ કંપની દ્વારા તેમાંથી બાંકડા અને ઇંટો તૈયાર કરવામાં આવે છે. 

સ્વચ્છતા હી સેવા અભિયાનના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ બેઠક યોજી આગામી બે માસ સુધી વડોદરા શહેર અને જિલ્લામાં ચાલનારા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સૌ નાગરિકો એક કલાક શ્રમદાન કરે એવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા હી સેવા અભિયાનના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ સરકારી કચેરીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી.


તેમણે આ બેઠકમાં જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં `સ્વચ્છતા હી સેવા અભિયાન' જનઆંદોલન બને એ રીતે તમામ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં આયોજન કરે તે જરૂરી છે. ગામડાઓ અને નગરોમાં આવેલા બાગ-બગીચાઓ, બસ સ્ટેન્ડ, સરકારી કચેરીઓ આ અભિયાન દરમિયાન સુંદર અને સુઘડ બને તે માટે શ્રમદાન કરવામાં આવશે. માર્ગો, પાણીના સ્ત્રોતોની સારી રીતે સફાઇ કરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો, સિંચાઇ વિભાગને સાંકળવામાં આવશે.


નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, સરકારી કચેરીઓમાં દફતર વર્ગીકરણ કરવા ઉપરાંત બિનજરૂરી સામાનનો નિકાલ કરવો જોઇએ. જેથી સરકારી કચેરીમાં વાતાવરણ યોગ્ય બની રહે, તેમણે સરકારી કચેરીઓ આસપાસ પણ સફાઇ કરાવવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર નયના પાટડિયા, આસિસ્ટન્ટ કલેક્ટર યોગેશ કાપર્સ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments