વડોદરા કોર્પોરેશન તંત્રની નિષ્કાળજીના કારણે વીર સપૂત શહીદ ભગતસિંહની પ્રતિમાની હાલત બદતર

ભગતસિંહ ચોક ખાતે આવેલી પ્રતિમા લીલા રંગની થઈ ગઈ અને પોપડા ઉખડી રહ્યા છે

MailVadodara.com - Due-to-the-negligence-of-the-Vadodara-Corporation-system-the-condition-of-the-statue-of-Veer-Saput-Shaheed-Bhagat-Singh-is-deteriorating

- કોર્પોરેશન 29 લાખના ખર્ચે ત્રણ પ્રતિમાઓનું રિસ્ટોરેશન કરવાની છે ત્યારે બીજી પ્રતિમાઓનું પણ રિસ્ટોરેશન કરે : સામાજિક કાર્યકર અતુલ ગામેચી


ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર સપૂત શહીદ ભગતસિંહના શહીદ દિન નિમિત્તે વડોદરામાં આજે ભગતસિંહ ચોક ખાતે  ભગતસિંહની પ્રતિમાને વડોદરા કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પરંતુ ભગતસિંહની પ્રતિમાની જાળવણી રાખવામાં કોર્પોરેશન દ્વારા બેદરકારી દાખવવા બદલ લોકોમાં આક્રોશ જોવા મળતો હતો. આ પ્રતિમાની હાલત નિષ્કાળજીના લીધે બદતર બની છે. પ્રતિમા લીલા રંગની થઈ ગઈ છે, અને તેના પરથી પોપડા ઉખડી રહ્યા છે.


દેશની આઝાદીમાં સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાન વિભૂતિઓની શહેરમાં 41 જેટલી પ્રતિમાઓ આવેલી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મહાનુભાવોની પ્રતિમાઓની જાળવણી અને નિભાવણી યોગ્ય રીતે ન થતાં પ્રતિમાઓ ગંદી થઈ છે. પ્રતિમા પરથી રંગ ઉખડી ગયો છે. જે અંગે છાસવારે જાગૃત નાગરિકો અને સંસ્થાઓ કોર્પોરેશન તંત્રને રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ કશું થયું નથી. 


શહેરના કેટલાક યુવાનો તથા સામાજિક સંગઠનો દ્વારા મહાનુભાવોની 20 જેટલી પ્રતિમાઓને દત્તક લઇ તેની જાળવણી અને નિભાવણી કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં બધું હવાઈ ગયું અને કશું થયું નહીં તેમ સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટીવીસ્ટ અતુલ ગામેચીએ જણાવ્યું હતું. 

તેમના કહેવા મુજબ કોર્પોરેશન વર્ષો અગાઉ પ્રતિમાને કાટ ન લાગે તે માટે કોપરેલ અને દિવેલ મિક્સ કરીને લગાડાતું હતું. વડોદરા કોર્પોરેશને તાજેતરમાં ત્રણ પ્રતિમાઓના રેસ્ટોરેશન માટે 29.55 લાખનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, અને આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. શિવાજી મહારાજ, સયાજીરાવ અને ફતેસિંહ રાવની ધાતુની બનેલી પ્રતિમાઓનું રીસ્ટોરેશન કરાશે, ત્યારે ભગતસિંહ સહિતની બાકીની મહાનુભાવોની બીજી પ્રતિમાઓનું પણ જલ્દી રીસ્ટોરેશન કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.


Share :

Leave a Comments