- કોર્પોરેશનના પ્લોટ પાસે કચરાપેટીની દુર્ગંધના કારણે ગ્રાહક આવતાં ન હોવાની ફરિયાદ, વેપારીઓએ ફરીથી રોડ પર બજાર ભરવાનું શરૂ કર્યું!
વડોદરા શહેરના કિશનવાડી ગધેડા શાક માર્કેટ ચાર રસ્તા પાસે લારીધારકોને પ્લોટ ફાળવ્યો હોવા છતાં મુખ્ય માર્ગ ઉપર ઊભા રહી પરિસ્થિતિ યથાવત રાખતા લારીધારકો સામે પાલિકાના ચેરમેને લાલ આંખ કરી છે. તો સામે લારીધારકોએ કોર્પોરેશનના પ્લોટ પાસે કચરાપેટીની દુર્ગંધના કારણે ગ્રાહક આવતાં ન હોવાની ફરિયાદ કરી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા ઠેકરનાથ સ્મશાનથી ગધેડા માર્કેટ ચાર રસ્તા સુધી ટ્રાફિકને નડતરરૂપ શાકમાર્કેટનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચાર રસ્તા નજીક આ માર્કેટનું સ્થળાંતર કરાયું છે. તે માર્કેટની બાજુમાં કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટ એટલે કે કચરાપેટી આવેલ હોય વિસ્તારમાં ગંદકી સાથે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલ રહે છે. જેના કારણે લારી ધારકોએ વાંધો ઉઠાવ્યો હતો કે, દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રાહક કોર્પોરેશનને ફાળવેલ પ્લોટમાં આવી રહ્યા નથી. જેથી અમને નુકસાન પહોંચે છે.
બીજી તરફ પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને કહ્યું હતું કે, લારી ધારકોને પીએમ સ્વનિધી યોજના હેઠળ લોન આપી છે. લારીધારકોની માંગણી મુજબ સુવિધા સજજ પ્લોટ અર્પણ કર્યો છે. જેમાં 300 જેટલી લારી ઉભી રાખવાની ક્ષમતા છે. તેમ છતાં લોકો બહાર બેસી રહ્યા છે. અત્યાર સુધી લાગતનો એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી. લારી ધારકોને ગંદકીનો પ્રશ્ન છે. તે માટે નિર્ણય કર્યો છે કે, ચાર વાગ્યા સુધીમાં ડમ્પીંગ સાઈટ સાફ કરી પાવડરનો છંટકાવ કરી આપીશું. તેમજ ટ્રાફિક માટે સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.