- લાકડાં પલળી ગયા, ગેસ ચિતામાં પાણી ભરાતા ઊલેચી બહાર કઢાયું
વડોદરા શહેરમાં વડી વાડી ખાતે આવેલા મુક્તિધામ સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન લાકડાં પલળવાની સાથે સાથે ગેસ ચિતામાં પણ પાણી ભરાઈ જતા અંતિમવિધિ થઈ ન શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વરસાદની લીધે ગેસ ચિતાની આસપાસ પાણી ભરાઈ જવાને લીધે મુશ્કેલી ઊભી થતાં માણસોએ સવારે પાણી ઊલેચવાની કામગીરીમાં લાગ્યા હતા.
દર વર્ષે ચોમાસામાં આ સ્મશાનમાં તકલીફ થતી રહે છે. પાણી ભરાય ત્યારે તેનો નિકાલ કરવાની પણ વ્યવસ્થા નથી હોતી, અને ઉલેચીને બહાર કાઢવું પડે છે. વડીવાડી સ્મશાન પ્રત્યે કોર્પોરેશનનું તંત્ર ધ્યાન આપતું નથી. તેના કારણે આ સ્થિતિ પેદા થઇ છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે. કોર્પોરેટરોને પણ ધ્યાન દોરવા છતાં તેઓ કોઈ દરકાર લેતા નથી. અહીં વાયરીંગ પણ ખુલ્લું છે અને તેના કારણે શોર્ટ સર્કિટ નો ડર રહે છે. વડોદરામાં ઘણા સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. કોર્પોરેશન કારેલીબાગમાં ખાસવાડી સ્મશાનને રીનોવેટ કરવા જઈ રહ્યું છે, પરંતુ ત્યાં પણ સ્મશાનના શેડના પતરા તૂટેલા હોવાથી ચિતા ઉપર પાણી પડતું હતું .જે અંગે ઉગ્ર રજૂઆતો થતા છેવટે તંત્રે શેડના પતરા બદલવાની કામગીરી હાથ ધરી હતી.