- આજવા સરોવર ૨૦૮ થી ૨૧૨.૫૦ થયું ત્યાં સુધી કોણ ઊંધતું રહ્યું..?
- શાસકોમાં જીદ, અણ આવડત અને અહંકાર શહેર માટે કોઈ દિવસ મોટુ સંકટ લાવશે..?
- અંગત સ્વાર્થ ખાતર ગેરકાયદેસર બાંધકામો કરનાર બિલ્ડરો સામે શાશકો ઘૂંટણીયે..!!
વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદે પુર જેવી પરિસ્થિતિ નિર્માણ કરી હતી. આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. અહીં પ્રશ્ન એ છે કે શું પાણી છોડવાનો નિર્ણય મોડો લેવામાં આવ્યો હતો..?
વડોદરા શહેરમાં ગત ૨૪ તારીખે ધોધમાર વરસાદ પડતાં પરિસ્થિતિ વિકટ બની હતી. ગણતરીના કલાકોમાં ૧૪ ઇંચ વરસાદ પડતાં પાણી ભરાયા હતા. બીજી તરફ આજવા સરોવરની સપાટી ૨૧૨.૫૦ ફૂટે પહોંચી હતી. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો ત્યારે આજવા સરોવર ૨૧૨.૫૦ ફૂટે હતું. પાણી છોડવાનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. વરસાદ પડ્યો એ પહેલા આજવા સરોવરમાં માત્ર ૨૦૮ ફૂટ પાણી હતું. આ અમે નથી કહેતા સ્થાયી સમિતિના અધ્યક્ષ કહે છે. વરસાદ પુર જોશમાં પડતાં આજવાની સપાટી ૨૧૨.૫૦ સુધી પહોંચી હતી.
હવે, અહીં સવાલ એ છે કે શું આજવા સરોવરની સપાટી ૨૦૮ થી અચાનક ૨૧૨.૫૦ થઈ ગઈ..? ડૉ. શીતલ મિસ્ત્રી કહે છે કે આજવા સરોવરમાંથી પાણી છોડવા માટે રાત્રીના સાડા અગિયાર વાગે દરવાજા ખોલવામાં આવ્યા. અહીં એ મહત્વનું છે કે વરસાદ બપોરના સમયથી પડવાની શરૂઆત થઈ હતી. ૧૪ ઇંચ વરસાદમાં કેચપીટ એરિયા સાથે પડેલા વરસાદ ને કારણે આજવાની સપાટી આઠ કલાકમાં ૨૦૮ થી ૨૧૨.૫૦ એટલે કે સાડા ચાર ફૂટ વધી ગઈ ? આજવા સરોવર માંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી ભયજનક વટાવી ચુકી હતી. જાણકારોનું કહેવું છે કે પાણી છોડવાનો નિર્ણય મોડી રાત્રે લેવાયો જેના કારણે જળ બંબાકાર ની સ્થિતિ સર્જાઈ. જો કે સ્થાયી સમિતિમના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીનો તર્ક કંઈક જુદો જ છે. ડૉ. શીતલ મીસ્ત્રી દોષ નો ટોપલો કેચપીટ એરિયા અને આજુબાજુ ના ચાર તળાવો પર ઢોળે છે. અહીં સવાલ એ છે કે શું ચાર તળાવો આજે અસ્તિત્વ માં આવ્યા ?
આજવા સરોવરથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં વિલંબ થયો એ માનવા સ્થાયી સમિતિના અધ્યક્ષ તૈયાર નથી. જો કે પૂર્વ વિસ્તાર કાઉન્સિલર આશિષ જોષી માને છે કે આજવા સરોવરમાંથી પાણી છોડવાનો નિર્ણય સમયસર લેવામાં વિલંબ થયો જેના કારણે પૂર્વ વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિ પેદા થઈ.
અહીં મહત્વનું એ છે કે આ વર્ષે એવી જગ્યાએ પાણી ભરાયું હતું જ્યાં અગાઉના વર્ષોમાં ભરાતું ન હતું.