- અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવાના ટુકડે ટુકડા થઇ ગયા હતા
- કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો, કારચાલક સ્થળેથી ફરાર
વડોદરા જિલ્લાના ડભોઈ-બોડેલી રોડ ઉપર આવેલા અકોટાદર ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ઉપર પસાર થઇ રહેલા બંને યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, એક્ટિવાના ટુકડે ટુકડા થઇ ગયા હતા. આ સાથે કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત સર્જી ચાલક કાર સ્થળે મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ડભોઇ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, સીમડીયા ગામનો રાહુલ અર્જુનભાઈ તડવી (ઉં.વ.25) અને નસવાડી વાંકીખાખેર ગામનો અતીશ રમેશભાઇ તડવી (ઉં.વ.22) 9 ફેબ્રુઆરીની મોડી રાત્રે એક્ટિવા ઉપર ખેતીવાડી માટે ડિઝલ લેવા માટે નિકળ્યા હતા. દરમિયાન ડભોઈ-બોડેલી રોડ ઉપર આવેલા અકોટાદર ગામ પાસે પૂરપાટ પસાર થઇ રહેલી કારે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર બંને રોડ ઉપર પટકાયા હતા. જેમાં બન્નેને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.
પૂરપાટ પસાર થઇ રહેલી કારની અડફેટે આવી ગયેલા એક્ટિવાના પણ ટુકડે-ટુકડા થઇ ગયા હતા. તો કારના બોનેટનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, અકસ્માત સર્જાતાજ લોકો સ્થળ ઉપર આવી પહોંચે તે પહેલાં કારચાલક કાર સ્થળ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો.
આ દરમિયાન ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ ડભોઇ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મોતને ભેટેલા બંને યુવાનો હરીશકુમાર તડવી અને અતીશ તડવીના મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે ફરાર થઇ ગયેલા કારચાલકની કારના નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.
બીજી બાજુ આ બનાવવાની જાણ પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. પંથકમાં ગમગીની ફેલાવી દેનારા આ બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.