આમલીયારા પાસેથી પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતા રૂા.3.83 લાખના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ

જિલ્લા LCBની ટીમે બાતમી આધારે આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Driver-arrested-with-liquor-worth-Rs-3-83-lakhs-from-Amliyara-under-the-guise-of-plastic-bags

- પોલીસે 3.83 લાખનો દારૂ, એક મોબાઈલ, 10 લાખની કિંમતનો ટેમ્પો તથા પ્લાસ્ટીકના દાણા ભરેલ બેગ 280 નંગ તથા બેરલ મળી કુલ 23.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો


હાલોલ-વડોદરા રોડ ઉપર આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટીકના દાણા ભરેલી બોરીઓની આડમાં દારુ ભરીને સુરત તરફ જતો આઇશર ટેમ્પો વડોદરા જિલ્લા LCBની ટીમે ઝડપ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સહિત 23.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે વિદેશી દારુનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા.

વડોદરામાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો ફરી સક્રિય થઇ ગયા છે અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવવાનું શરૂ કર્યું છે. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા LCBની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇ-વે ઉપર પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરાથી વાયા વડોદરા થઈ સુરત તરફ જવાનો છે. જેના આધારે LCBની ટીમે હાલોલ-વડોદરા રોડ પર આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.


આ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને ઊભી રખાવી હતી. ગાડીમાં હાજર ડ્રાઇવરને નીચે ઉતારી પૂછપરછ કરતા પોતાનું નામ હિરાલાલ દુખરન શાહ (રહે. લક્ષ્મી પાર્ક, CR સૈનીક પબ્લીક સ્કુલ સામે, તાઉ ચોક, નાનગ્લોઈ વેસ્ટ દિલ્હી)નો હોવાનું જણાવ્યું હતું. જેને ગાડીમાં ભરેલા માલ બાબતે પુછતા પ્લાસ્ટીકના દાણા ભરેલ હોવાનુ જણાવ્યું હતું. જેથી, LCBએ ડ્રાઇવરને સાથે રાખી આઇશર ટેમ્પો ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટીકના દાણાની બેગોની આડમાં સંતાડી રાખેલી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


પોલીસે રૂપિયા 3.83 લાખનો દારૂ, એક મોબાઈલ, 10 લાખની કિંમતનો આઇશર ટેમ્પો તથા પ્લાસ્ટીકના દાણા ભરેલ બેગ 280 નંગ, કિંમત રૂપિયા 9.52 તથા બેરલ મળી કુલ રૂપિયા 23.46 લાખનો મુદ્દામાલ સાથે ટેમ્પોચાલકની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક હિરાલાલ શાહ સહિત 3 આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી. જરોદ પોલીસે મુદ્દામાલ કબજે કરી પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments