વડોદરા નેશનલ હાઇવે ઉપર માંગલેજ પાસેથી ટ્રકમાં લઇ જવાતો 45 લાખના દારૂ સાથે ચાલકની ધરપકડ

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Driver-arrested-with-liquor-worth-45-lakhs-in-truck-from-Mangalej-on-Vadodara-National-Highway

- પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 947 પેટી મળી આવી હતી


ગુજરાતમાં જેઓના કારણે દારૂબંધી છે તેવા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની પૂર્વ રાત્રે અને 3 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રી મહોત્સવના બે દિવસ પહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે ઉપર માંગલેજ પાસેથી ટ્રકમાં લઇ જવાતો રૂપિયા 45,45,600ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો ગોવાથી દારૂનો જથ્થો લઇને નીકળેલા ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


આગામી નવરાત્રી મહોત્સવ અને તે બાદ આવી રહેલા તહેવારોને પગલે દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર કરજણ માંગલેજ પાસેથી ટ્રકમાં લઇ જવાતો રૂપિયા 45,45,600 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 


એલસીબી પીઆઇ કૃણાલ પટેલ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઇવે ઉપર કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે માંગલેજ  ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઉભો રહ્યો છે. અને તેમાં દારૂનો જથ્થો હોવાનું લાગી રહ્યું છે. આ માહિતીના આધારે તુરંત જ  પેટ્રોલિંગ કરી રહેલી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 947 પેટી મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરીને કરજણ પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં દારૂની પેટીઓમાંથી ગણતરી કરતા 45,456 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસની ધરપકડ કરી હતી. ટ્રક ચાલક મૂળ બિહારનો રહેવાસી હોવાનું અને હાલ અમદાવાદ વટવાના મહાલક્ષ્મી તળાવ પાસેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ જઇ રહેલા રાજેશની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવાથી લાવવામાં આવ્યો છે. કરજણ માંગલેજ પાસે પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મોકલનાર દુબે નામના વ્યક્તિએ ફોન કરવા જણાવ્યું હતું. દુબે જે જગ્યા બતાવી સરનામું આપે ત્યાં આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો. 

આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇએ કરજણ પોલીસ મથકમાં દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસ અને દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન હજુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. મોડી રાત્રે કરજણ માંગલેજ પાસેથી દારૂનો જંગી જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share :

Leave a Comments