- પોલીસે રૂપિયા 17,85,600ની કિંમતનો દારૂનો જથ્થો, 10 લાખની કિંમતનો ટેમ્પો તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 27. 86 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
મહારાષ્ટ્રના કરાડથી જામનગર લઇ જવાતો ભારતીય બનાવટનો 17.85 લાખની કિંમતનો દારૂ ભરેલો ટેમ્પો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી.ની ટીમ કરજણ પાસેના ભરથાણા ટોલનાકા પર વાહનોનું ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ પસાર થઇ રહેલા ટેમ્પોમાં તપાસ કરતા 414 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત વોચમાં છે. એલ.સી.બી.ની ટીમના પી.એસ.આઇ. આર.બી. વનાર સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ વિરમભાઇ, વિનોદકુમાર કિશનસિંહ, પ્રવિણસિંહ રણવિરસિંહ તેમજ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદકુમાર સનાતભાઇ સાથે કરજણ નેશનલ હાઇ-વે પરના ભરથાણા ટોલનાકા ઉપર વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન ભરૂચ તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો ભરેલી 414 પેટી મળી આવી હતી. ટેમ્પોચાલક અજય મારૂતી સૈદ (રહે. સંદવાડી મહાલુગે ગામ, મહારાષ્ટ્ર હાલ રહે, નિકતે વસ્તી, પરગુટ ગામ, જિલ્લો પુણે, મહારાષ્ટ્ર) દારૂની પેટીઓ તાડપત્રી ઢાંકીને લઇ જતો હતો.
પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દારૂ અંગે ટેમ્પોચાલક અજય સૈદની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલા વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો. આ દારૂ ભરેલો ટેમ્પો કરાડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના પાર્કિંગમાંથી લઇને જામનગર જવાનું હતું. તેણે એમ પણ જણાવ્યું હતું કે, વડોદરા પાસ કર્યા બાદ ફોન કરવાનો હતો.
પોલીસે રૂપિયા 17,85,600ની કિંમતનો દારૂનો જથ્થો, 10 લાખની કિંમતનો ટેમ્પો તેમજ મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 27. 86 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે દારૂનો જથ્થો લઇને જામનગર જઇ રહેલા ટેમ્પોચાલક અજય સૈદ તેમજ દારૂનો જથ્થો ભરાવનાર મહારાષ્ટ્રના કરાડ ખાતેના વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ સામે કરજણ પોલીસ મથકમાં નોંધાવી હતી. કરજણ પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.