કપુરાઇની પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી 14 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ

31 ડિસેમ્બર પૂર્વે બુટલેગરોએ મંગાવેલો દારૂનો જંગી જથ્થો જિલ્લા LCBએ ઝડપી પાડ્યો

MailVadodara.com - Driver-arrested-with-foreign-liquor-worth-14-lakhs-from-Mahadev-Hotel-compound-near-Kapurai

- ટેમ્પોમાં તપાસ કરતા 14.27 લાખની કિંમતનો દારૂ ભરેલી 469 પેટી સહિત ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 24,32,800નો મુદ્દામાલ કબજે કરાયો

31 ડિસેમ્બર પૂર્વે સક્રિય બનેલા બુટલેગરો દ્વારા ઘૂસાડવામાં આવી રહેલો રૂપિયા 14 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 469 પેટી દારૂ ભરેલો ટેમ્પો મળી કુલ રૂપિયા 24 લાખનો મુદ્દામાલ અને ટેમ્પોચાલકને વરણામાં પોલીસને સોંપીને ફરિયાદ નોંધાવી છે. આગામી 31 ડિસેમ્બરને પગલે બુટલેગરો દ્વારા નવા નવા કિમીયા અપનાવીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી દારૂ લાવીને શહેર-જિલ્લામાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોના પ્રયાસોને ધરાર નિષ્ફળ બનાવી રહ્યા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વરણામાં પોલીસ દ્વારા દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો બીજી બાજુ વડોદરા નજીક સેવાસી ખાતે એસએમસી દ્વારા રેડ કરીને પણ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચારેકોરથી બુટલેગરોના દારૂ ઘૂસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા હોવાથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મોડી રાત્રે વડોદરા નજીક કપૂરાઇ પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયેલા રૂપિયા 14 લાખની કિંમતના દારૂ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, LCB PSI પી.કે. ભૂત તેમજ સ્ટાફના ASI કનુભાઇ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મેહુલસિંહ, દેવરાજસિંહ, શક્તિસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ વરણામાં પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઇ કનુભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહને માહિતી મળી હતી કે બંધબોડીનો ટેમ્પો દારૂનો જથ્થો લઇને ગોધરા, હાલોલ થઈને કપૂરાઇ પાસે આવેલી મહાદેવ હોટલમાં જમવા માટે રોકાનાર છે. જે માહિતીના આધારે સ્ટાફે હોટલના કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી દીધી હતી.

દરમિયાન માહિતીવાળો ટેમ્પો અવતાની સાથે જ એલસીબી સ્ટાફે ટેમ્પોને કોર્ડન કરી લીધો હતો અને ટેમ્પોચાલકને સાથે રાખી ટેમ્પોમા તપાસ કરતા તેમાંથી રૂપિયા 14,27,520ની કિંમતનો દારૂ ભરેલી 469 પેટીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 24,32,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટેમ્પોચાલકની પૂછપરછ કરતા તેણે તેનું નામ પ્રકાશ ઉકાર અવાસીયા (રહે.બડા ભાવટા, જિલ્લો-અલીરાજપુર, મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવ્યું હતું. આ દારૂ અંગે વધુ પૂછપરછ કરતા જણાવ્યું કે, આ દારૂનો જથ્થો ભોપાલના રહેવાસી પ્રતીકસિંઘે મોકલાવ્યો છે. ફોન કરીને જણાવ્યું કે, બંધબોડીનો ટેમ્પો ભોપાલ બાયપાસ ઉપર ઉભો છે તે લઈને જવાનું છે. આ દારૂનો જથ્થો ચોક્કસ ક્યાં સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે પ્રતિકસિંઘ ફોન કરવાનો હતો.

જોકે દારૂનો જથ્થો તેના નિયત સ્થળે પહોંચે તે પહેલા LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. LCBએ આ દારૂનો જથ્થો, ટેમ્પો વરણામાં પોલીસ મથકને સોંપવા સાથે ટેમ્પોચાલક પ્રકાશ અવાસીયા સામે ફરિયાદ નોંધાવી છે. વરણામાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments