આજવા રોડ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રોડ ઉપર પાણીની રેલમછેલ

નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું

MailVadodara.com - Drinking-water-line-ruptured-on-Ajwa-road-causing-water-train-on-the-road

- સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું, રોડ ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલી


શહેરના આજવા રોડ પર આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રોડ ઉપર પાણીની રેલમછેલ થઇ હતી. રજૂઆત કરવા છતાં વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા પાણીની લાઇનમાં ભંગાણના કારણે હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. રોડ ઉપર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. રોડ ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.


વડોદરા પાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેસરથી પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઇનોમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. શહેરના આજવા રોડ પર આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર - 30 પાસે છેલ્લા બે-ત્રણ દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે છતાં તંત્ર કે વિસ્તારના કોર્પોરેટરો દ્વારા આ મામલે ધ્યાન નહીં આપતા દરરોજ હજારો લિટર પાણી વહીને ગટરમાં જઇ રહ્યું છે.

પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે રોડ ઉપર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. પરિણામે રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે વિસ્તારમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું છે. વહેલી તકે પાણીની લાઇનમાં પડેલા ભંગાણનું સમારકામ કરવા માગ છે.

Share :

Leave a Comments