વડોદરામાં મોર્નિંગ વોકમાં નીકળેલા જીએસટી ઓફિસરને કૂતરું કરડ્યું, માલિક સામે ફરિયાદ

સ્થળ પર ભેગા થયેલા લોકોએ કહ્યું કે, અહીં અવાર-નવાર બધાને કૂતરો કરડે છે

MailVadodara.com - Dog-bites-GST-officer-on-morning-walk-in-Vadodara-complaint-against-owner

- જીએસટી ઓફિસરે કહ્યું, શ્વાનના માલિકે તેને વેક્સિન અપાવી છે કે, નહીં તે પૂછતા કહ્યું કે, અકોટા જઇને ડોક્ટર પાસેથી મેળવી લો

વડોદરા શહેરમાં પાલતુ કૂતરાએ મોર્નિંગ વોક કરવા નીકળેલા GST વિભાગના ઇન્ટેલિજન્સ ઓફિસરને બચકુ ભર્યું હતું. જેથી GST ઓફિસરે કૂતરાના માલિક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના વાસણા રોડ પર સમર્પણ સોસાયટીમાં રાજીવકુમાર સિંઘ (ઉં. 52)એ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલીમાં જણાવ્યું છે કે, હું સારાભાઇ કોમ્પ્લેક્ષમાં GST ડિપાર્ટમેન્ટમાં DGGIમાં સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે નોકરી કરું છું. 24 સપ્ટેમ્બરના રોજ હું સવારે 5.30 વાગ્યે વોકિંગ કરવા માટે નિકળ્યો હતો. આ દરમિયાન ચાલતા ચાલતા હું મકરંદ દેસાઇ રોડ થઇને સ્વામીનારાયણ મંદિર થઇ ઘડિયાળ સર્કલથી નિલાંબર સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ સમયે જવાહરનગર સોસાયટી એસ્સાર પેટ્રોલપંપની સામે સવારે 5.45 વાગ્યે એક પાલતુ કાળા કલરનો શ્વાન ડિવાઇડર પર ચાલતો હતો. તે એકદમ મારી તરફ દોડી આવી મારે ઘૂંટણ પર બચકું ભરી લીધું હતું.

શ્વાને પાછળ ખસીને ફરીથી એક વખત મને બચકું ભર્યું હતું. તે સમયે એક રિક્ષા આવી હતી અને રિક્ષાચાલક મને શ્વાનથી બચાવીને નજીકની મંગલમ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં હોસ્પિટલના સ્ટાફે મારી સ્થિતી વિષે જાણ્યું હતું. અને જણાવ્યું હતું કે, ત્યાં અગાઉ પણ કુતરો કરડ્યો છે. બેથી ત્રણ કેસ આવી ગયા છે. મારે વેક્સિન લેવાની હોવાથી શ્વાનના માલિકે તેને વેક્સિન અપાવી છે કે, નહીં તે જાણવા હું સ્થળ પર ગયો હતો. શ્વાન માલિક દશરથ હરમાન રાજપૂત (રહે. જવાહરનગર સોસાયટી, ઘડિયાળ સર્કલ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું અને તેને વેક્સિન અંગે પુછતા તેણે વેક્સિન લીધેલાની બુક બતાવી નહોતી અને મને કહ્યું કે, અકોટા જઇને ડોક્ટર પાસેથી મેળવી લો. ત્યાર બાદ સ્થળ પર ભેગા થયેલા લોકોએ મને જણાવ્યું હતું કે, અહીં અવાર-નવાર બધાને કૂતરો કરડે છે. આ મામલે શ્વાન માલિક દશરથ હરમાન રાજપૂત (રહે. જવાહરનગર સોસાયટી, ઘડિયાળ સર્કલ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments