- પોલીસે રિવોલ્વર કારતુસ, મોબાઈલ સહિત રૂપિયા 30,700નો મુદ્દામાલ કબજે કરી વડુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળીયા ખાતે રહેતા યુવક મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે દેશી હાથ બનાવટની રિવોલ્વર અને 6 જીવતા કારતુસ સાથે તેના ઘરની બહાર બાંકડા પર બેઠો અને જિલ્લા પોલીસ તંત્રના SOG પોલીસે બાતમીના આધારે યુવકને રિવોલ્વર અને 6 જીવતા કારતુસ સાથે ઝડપી પાડી યુવકની ધરપકડ કરી આર્મસ એકટ મુજબ વડુ પોલીસ મથક ખાતે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- યુવક મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા રિવોલ્વર તથા કારતુસ લઇને બેઠો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ મથક હદ વિસ્તારમાં જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગ હતી તે દરમિયાન જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળીયા ખાતે રહેતા નિમેષકુમાર ચંદુભાઇ પરમાર પોતાની પાસે દેશી હાથ બનાવટની રિવોલ્વર રાખેલ છે અને હાલ તે રિવોલ્વર સાથે તેના ઘર પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર આગળ બેસેલ છે અને તેને કાળા કલરનું શર્ટ પહેરેલ છે.
જિલ્લા એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ડબકા ગામે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી. આ દરમિયાન મળેલ બાતમી આધારિત યુવક મંદિરના આગળ આવેલ સિમેન્ટના બાંકડા ઉપર હાથમાં એક પાકીટ લઇ બેઠો હતો અને પોલીસને જોઇ ભાગવા જતા પોલીસે તેનો પીછો કરી પકડી પાડ્યો હતો. તેની અંગઝડતી કરતા તેના કમરના ભાગે એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવી છે, તથા તેના હાથમાં પકડી રાખેલ પાકીટમાંથી 6 નંગ કારતુસ મળી આવ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25 હજારની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર, કારતૂસ, એક મોબાઇલ ફોન અને કાંડા ઘડિયાળ સહીત કુલ રૂપિયા 30,700નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટકાયત કરી હતી. રિવોલ્વર તથા કારતુસ કયાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપનાર હતો તે અંગે પુછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે, પોતે હાઉસ કિપીંગની નોકરી કરતો હોય બે વર્ષ પહેલાં ભાયલી ખાતેના એક મકાનમાંથી આ હથિયાર તથા કારતુસ નંગ-6 અને કાંડા ઘડીયાળ પોતે મરુન કલરના રેકઝીનના પાકીટ સાથે લઇ આવેલ હતો અને આજે મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે આ હથીયાર તથા કારતુસ લઇને અહીં બેઠો હતો.
સમગ્ર મામલે જિલ્લા એસ.ઓ.જી પોલીસના એએસઆઇ ભોગીભાઈ ભવાનભાઈએ ઝડપાયેલ આરોપી વિરુદ્ધ વડું પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી વડું પોલીસે આર્મસ એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ ગુનામાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દીશામાં હાલ તપાસ હાથ ધરી છે.