પાદરા-જંબુસર રોડ પર થયેલી 12 લાખની લૂંટના 3 આરોપીઓને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યાં

LCB સ્ટાફને આરોપીઓ અંગે માહિતી મળતા પાદરા-જંબુસર રોડ પર વોચ ગોઠવી હતી

MailVadodara.com - District-Local-Crime-Branch-arrested-3-accused-of-12-lakh-robbery-on-Padra-Jambusar-road

- પોલીસે ટોળકી પાસેથી લૂંટની રકમ પૈકી રૂપિયા 2.85 લાખ કબજે કરી

- ત્રણે લૂંટારુઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું


પાદરા-જંબુસર રોડ ઉપર થોડા સમય પહેલાં 12 લાખની લૂંટનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ 3 લૂંટારૂઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણે લૂંટારુઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ટોળકી પાસેથી લૂંટમાં ગયેલી રકમમાંથી 2.85 લાખ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના PI કૃણાલ પટેલે જણાવ્યું કે, પાદરા-જંબુસર રોડ ઉપર આવેલી બાન્કો કંપની પાસે થોડા સમય પહેલાં મોપેડ ઉપર પસાર થઇ રહેલા આધેડને રોકીને તેની પાસેની રુપિયા 12,07,536 રોકડની લૂંટ થઈ હતી. જે અંગેની ફરિયાદ વડોદરા શહેર પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ લૂંટના બનાવમાં સંડોવાયેલા આરોપીઓ અંગે LCBના અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇને માહિતી મળી હતી. જે માહિતીના આધારે LCB સ્ટાફની મદદ લઇ પાદરા-જંબુસર રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આ ચકચારી લૂંટના બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓ પરેશ ઉર્ફ પરીયો પ્રભાત સોલંકી (રહે. સોમજીપુરા, પાદરા), જીગ્નેશ નગીન પરમાર (રહે. વડુ, પાદરા) અને સંજય મગન પઢીયાર (રહે. ખોખરપુરા ચોકારી, પાદરા)ની જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના PSI પી. કે. ભુત, PSI આર.બી. વનાર, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ, બળદેવસિંહ, મહેશગીરી, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીચંદ્રસિંહ, અજયસિંહ, નરેશકુમાર અને અશોકભાઇએ વાહનોના ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા.


પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી લૂંટારુ ત્રિપુટીની પૂછપરછ કરતા તેઓએ 5 માસ પહેલાં પાદરા-જંબુસર રોડ ઉપર બાન્કો કંપની પાસેથી મોપેડ ઉપર પસાર થઇ રહેલા આધેડને રોકી તેની પાસેથી રૂપિયા 12 લાખ રોકડની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા ટોળકી પાસેથી લૂંટની રકમ પૈકી રૂપિયા 2.85 લાખ કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત મોબાઇલ ફોન, બાઇક સહિત રૂપિયા 3,45,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

LCB PI કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ લૂંટારાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લૂંટારૂ ટોળકી પૈકી જીગ્નેશ ઉર્ફે જીગો પરમાર સામે પાદરાના વડુ, સુરત શહેરના કાપોદ્રા, કીમ, અમરેલી તેમજ વડોદરા શહેરના ગોરવા, ગોત્રી તેમજ જે.પી. રોડ પોલીસ મથકમાં 9 જેટલી ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે પરેશ ઉર્ફ પરીયો સોલંકી સામે ભરૂચ જિલ્લાના કાવી પોલીસ મથકમાં ઘરફોડ ચોરી તેમજ વડુ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો છે. તેમજ સંજય પઢિયાર સામે ભરૂચ જિલ્લાના કાવી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો છે.

Share :

Leave a Comments