- પોલીસે ટ્રકમાંથી દારૂનો જથ્થો, મોબાઇલ, 250 કેરેટ, 15 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 40,18,300નો મુદામાલ કબજે કર્યો
વડોદરા- હાલોલ રોડ ઉપર આવેલા આમલીયારા ગામ પાસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી વડોદરા તરફ આવી રહેલી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. 496 પેટી દારૂ પ્લાસ્ટીક કેરેટની આડમાં લવાતો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જરોદ વિસ્તારમાં એલસીબીના પીએસઆઈ આર.બી, વનાર સ્ટાફના અનારમ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, શક્તિસિંહ, રાજેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ પેટ્રોલિંગમા હતા. દરમિયાન કોન્સ્ટેબલ જયપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂ ભરેલી એક ટ્રક હાલોલ વડોદરા રોડ ઉપર આવી રહ્યું છે. જે માહિતીના આધારે આમલીયારા જીઈબી સ્ટેશન પાસે ટીમે વોચ ગોઠવી દીધી હતી.
આ દરમિયાન જરોદ તરફથી વડોદરા તરફ આવતી અશોક લેલન ટ્રક આમલીયારા ગામ પાસે આવેલ જી.ઇ.બી. ના ગેટ પાસે આવી પહોંચતા વોચમાં ઉભેલી LCB પોલીસે રોકી સાઇડમાં લેવડાવી ટ્રકના ડ્રાઇવર નરસિંગારામ ભીખારામ પીડેલ (જાટ) રહે, સારલા તા. સૈડવા જી. બાડમેર રાજસ્થાન) ને સાથે રાખી ટ્રકમાં પાછળના ભાગે બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરી હતી. તપાસ કરતાં પ્લાસ્ટીકના કેરેટોની આડમા સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ જણાઇ આવી હતી.
પોલીસે વધુ તપાસ કરતાં વિદેશી દારૂની 496 પેટી મળી આવી હતી. જેમાં ગણતરી કરતાં કુલ બોટલ નંગ 11652 હતી. પોલીસે રૂપિયા 25,00,800ની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઇલ, 250 કેરેટ, 15 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 40,18,300નો મુદામાલ કબજે કર્યો હતો.
પીઆઇ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ડ્રાઇવરને આ જથ્થો કોની પાસેથી અને ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો છે તે અંગે પૂછતા દારૂનો જથ્થો સોનારામ થોરી (રહે, બાયતુ જિ. બાડમેર (રાજસ્થાન) નામના ઇસમે કોટા બાયપાસ ઉપર આવેલ એક હોટલ ઉપરથી આપેલ અને ગુજરાતના વડોદરા પહોંચીને ફોન કરવાનું જણાવેલ અને વોટ્સએપથી લોકેશન મોકલતો હોવાની હકિકત જણાવી હતી.
આ અંગે દારૂ સાથે પકડાયેલ ટ્રક ચાલક નરસીગારામ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ જરોદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂનો જંગી જથ્થો ઝડપાતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.