- વડોદરા જિલ્લા LCB પોલીસે 302 પેટી વિદેશી દારૂ તેમજ મહારાષ્ટ્ર પાસિંગનો આઇસર ટેમ્પો મળીને કુલ રૂપિયા 26.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા જિલ્લા LCB પોલીસે વિદેશી દારૂ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી આઇસર ટેમ્પોને ઝડપી પાડી છે. ભરૂચ તરફથી આવતી આઇસર ટેમ્પોને કરજણના ભરથાણા ટોલ નાકા પાસે રોકીને તપાસ કરતાં રૂપિયા 16.70 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે 302 પેટી વિદેશી દારૂ મળીને કુલ 26.75 લાખનો મુદ્દામાલ કબજે કરીને ડ્રાઇવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લા LCB પોલીસના પોલીસ જવાન દેવરાજસિંહ અને મેહુલસિંહને બાતમી મળી હતી કે, કરજણ ટોલનાકા પાસે ભરૂચ તરફથી વડોદરા શહેરમાં મહારાષ્ટ પાર્સિંગના બંધ બોડીના આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થનાર છે. જે બાતમીના આધારે LCBની ટીમે પીઆઇ કૃણાલ પટેલ માર્ગદર્શન હેઠળ કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો આવી પહોંચ્યો હતો. આ આઇસર ટેમ્પોને રોકી તપાસ કરતાં વિદેશી દારૂની 302 પેટી જણાઈ આવી હતી. જેમાં 7872 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આઇસર ટેમ્પો ચાલક રામકેશ રણવીરસિંગ યાદવની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 16.70 લાખના વિદેશી દારૂનો જથ્થો તેમજ મહારાષ્ટ્ર પાસિંગનો આઇસર ટેમ્પો મળીને કુલ રૂપિયા 26.75 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવરી કરવાનો હતો તે અંગે પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરી હતી.